એક નાટક કંપની -દીપક મહેતા

પ્રગટ થયું: ગુજરાતી મિ-ડે ૦૯ એપ્રિલ ૨૦૨૨

ચલ મન મુંબઈ નગરી
એક નાટક કંપની જે જન્મી અમદાવાદમાં પણ જીવી મુંબઈમાં
થિયેટર એક, અવતાર ત્રણ: ટ્રીવોલી, ગેઈટી, કેપિટોલ

દીપક મહેતા

અંક ત્રીજો
માનશો? છેક ૧૮૯૩-૯૪ સુધી અમદાવાદમાં એક પણ થિયેટર નહોતું! અને છતાં નાટક પાછળ ઘેલા થયેલા એક જણ, કેશવલાલ શિવરામે જૈન ધર્મકથા પરથી લખેલું પોતાનું નાટક ‘સંગીત લીલાવતી’ ભજવ્યું. કઈ રીતે? તાડપત્રીનો માંડવો બાંધ્યો. સાદા, સફેદ કપડાના બે પડદા, તાડપત્રીની વિંગ, થોડા મોટા દીવા અને કપાસિયાના દીવાની ‘ફૂટ લાઈટ્સ’. અને પાત્રોના ડ્રેસ? કેટલાક ‘આશ્રયદાતા’ઓ પાસેથી વાપરવા માટે ઉધાર આણેલ સાડી, સેલાં, અંગરખાં, ખેસ, વગેરે. માત્ર બે સાજિન્દા: સારંગીવાળો અને તબલાવાળો. નાટક જોવા માટે ટિકિટ વેચવાનો તો સવાલ જ નહોતો. અને છતાં ત્રણ મહિનામાં નાટકના ડબ્બા ડૂલ. એ નાટક ભજવતી વીરચંદ ગોકળદાસ ભગતની કંપની ભાંગી. પણ વીસેક વરસનો એક યુવાન, નામે ડાહ્યાભાઈ ધોળશાજી એ નાટક જોવા આવતો. એને આ નાટકનાં ગીતો એટલાં તો ગમી ગયેલાં કે નાટક વીસેક વાર જોયેલું. એક વાર તેમણે એક ગીત માટે ત્રણ-ચાર વન્સ મોર માગ્યા. આથી કંટાળીને ગાનાર કલાકારે કહ્યું કે ‘એક વાર નાટક કંપની કાઢી જુઓ તો ખબર પડે કે વન્સ મોર કેમ અપાય છે. આ વાત તેમના મનમાં ઘર કરી ગયેલી.
વારંવાર આ નાટક જોવા જતા એટલે કેશવલાલ સાથે ઓળખાણ. વીરચંદ ગોકળદાસ ભગતની કંપની ભાંગ્યા પછી કેશવલાલ અને ડાહ્યાભાઈએ ભેગા મળીને નવી નાટક મંડળી શરૂ કરી, જેને નામ આપ્યું શ્રી દેશી નાટક સમાજ. ૧૮૯૧-૧૮૯૨ના અરસામાં કેશવલાલ તેમાંથી છૂટા થયા અને ડાહ્યાભાઈ એકમાત્ર માલિક બન્યા. પણ કેશવલાલનું નાટક એ પછી વરસો સુધી સતત ભજવાતું રહ્યું. ૧૯૨૬ સુધીમાં તેની કુલ ૨૬ આવૃત્તિ છપાયેલી. દરેક આવૃત્તિની પાંચ હજાર નકલ! નાટક સતત ભજવાતું રહ્યું ન હોય તો આમ બનવું શક્ય જ નથી.
પ્રિય વાચક! તમને થતું હશે કે આજે આ મુંબઈ નગરીની ગાડી અવળે પાટે ચડીને કાળુપુર સ્ટેશન તરફ કેમ ધસી રહી છે! ના, જી. આપણી ગાડી બોમ્બે સેન્ટ્રલ જ આવી રહી છે. વરસ હતું ૧૮૯૬નું અને મહિનો હતો મે. મુંબઈમાં કાળઝાળ ગરમી. ટ્રેનમાં છે ડાહ્યાભાઈની શ્રી દેશી નાટક સમાજના કલાકારો. મુંબઈની રંગભૂમિની જાહોજલાલીની, તેના દરિયાદિલ પ્રેક્ષકોની, વ્યવસ્થિત રીતે બાંધેલા થિયેટરોની વાતો અમદાવાદ બેઠાં સાંભળવા મળેલી. એટલે વિચાર્યું કે ચાલો, મુંબઈ જઈને નાટક ભજવીએ. નસીબ પાધરાં તે ગેઈટી થિયેટરમાં પેટા ભાડૂત તરીકે રહેવાની અને નાટકો ભજવવાની સગવડ થઈ ગઈ.
આ ગેઈટી થિયેટરનો પણ નાનકડો ઈતિહાસ છે. ૧૮૭૯મા કુંવરજી પગથીવાલા નામના વેપારીએ બોરી બંદર સામે નાટકો ભજવવા માટે ટ્રીવોલી નામનું થિયેટર બંધાવેલું. એ વખતે વિક્ટોરિયા ટર્મિનસ હજી બંધાઈને પૂરું થયું નહોતું. ૧૮૭૮માં તેનું બાંધકામ શરૂ થયેલું, પણ તેને પૂરું થતાં દસ વરસ લાગેલાં! અહીં પારસી-ગુજરાતી, મરાઠી, હિન્દુસ્તાની, ગુજરાતી નાટકો ભજવાતાં. પછીથી તેનું નવીનીકરણ થયું અને નામ બદલાઈને થયું ગેઇટી. કુંવરજી નાઝર તેના માલિક બન્યા. કુંવરજી એટલે નાટકનો જીવ. શરૂઆતમાં ત્યાં અંગ્રેજી નાટકો ભજવ્યાં, પણ તેમાં સારી સફળતા ન મળતાં ‘દેશી’ ભાષાનાં નાટકો માટે થિયેટર ભાડે આપવાનું શરૂ કર્યું. જયપુરમાં નાટકો ભજવવા ગયા હતા ત્યારે ૧૮૯૯ના મે મહિનાની ૧૫મી તારીખે ૫૫ વરસની ઉંમરે નાઝરનું અચાનક અવસાન થયું હતું.
પણ પહેલાં મૂંગી ફિલ્મ અને પછી બોલતી ફિલ્મ આવતાં નાટકની માગ ઘટી. એટલે ૧૯૨૮માં તે નાટક માટેના થિયેટરમાંથી સિનેમા માટેનું થિયેટર થયું. સાથોસાથ તેનું નામ પણ બદલાયું. નવું નામ કેપિટોલ. આ નામ સાથે એ જૂની, જર્જરિત ઈમારત આજે પણ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સામે ઊભી છે.
ગેઈટીમાં ભજવાતાં નાટકોમાંથી થયેલી આવકમાંથી કંપનીએ મુંબઈમાં એમ્પાયર થિયેટરની બાજુની જગ્યા ઉપર ‘દેશી નાટકશાળા’ નામનું કાચું નાટ્યઘર ૧૯૦૦માં બાંધ્યું. એ પછી શેઠ ત્રિભુવનદાસ મંગળદાસે ૧૯૦૫માં પાકું નાટ્યઘર કાલબાદેવી વિસ્તારમાં બાંધ્યું. એ વરસે પ્રિન્સ અને પ્રિન્સેસ ઓફ વેલ્સ ૨૯ ઓક્ટોબરે મુંબઈ આવ્યાં હતાં. તેમની મુલાકાતના માનમાં પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ બાંધવાનું નક્કી થયું હતું. તેનો પાયો પ્રિન્સ અને પ્રિન્સેસે ૧૧મી નવેમ્બરે નાખ્યો હતો. તો મરીન લાઈન્સ રેલવે સ્ટેશનથી શરૂ થતા રસ્તાને પ્રિન્સેસ સ્ટ્રીટ નામ આપવામાં આવ્યું. આજે તેનું સત્તાવાર નામ શામળદાસ ગાંધી માર્ગ છે. પણ એ નામે ભાગ્યે જ કોઈ એ રસ્તાને ઓળખે છે. એ જમાનામાં આપણા ઘણા લોકોમાં બ્રિટિશ રાજ પ્રત્યેની વફાદારી જાહેર કરવાની ફેશન હતી. એ રીતે પ્રિન્સેસ સ્ટ્રીટથી બહુ દૂર નહિ આવેલા આ થિયેટરને પ્રિન્સેસ થિયેટર નામ અપાયું હશે. પ્રિન્સ અને પ્રિન્સેસ ઓફ વેલ્સ ૧૯૦૫ના ઓક્ટોબરના અંતે મુંબઈ આવેલાં, એટલે એ અરસામાં આ નામકરણ થયું હોય.
પ્રિન્સેસ સ્ટ્રીટ નામ જેમ લોકજીભે ન ચડ્યું તેમ આ પ્રિન્સેસ થિયેટર પણ ન ચડ્યું. લોકો તો તેને ભાંગવાડી થિયેટર તરીકે જ ઓળખતા, કારણ તે એ નામની ગલ્લીમાં આવ્યું હતું. એક જમાનામાં અહીં ભાંગ વેચતી ઘણી દુકાનો આવેલી હતી. ગુજરાતી બ્રાહ્મણો આ દુકાનો ચલાવતા. અહીં બે પૈસાથી માંડીને બે આના સુધીમાં જુદી જુદી જાતની ભાંગનો એક કટોરો મળતો. દૂધ અને ખાંડવાળી સાદી ભાંગ બે પૈસામાં. તો વાટેલાં બદામ-પિસ્તાં, એલચી, કેસર મિશ્રિત ભાંગના બે આના. મહાશિવરાત્રીના દિવસે તો આ દુકાનો પર લાંબી લાઈન લાગતી. આસપાસનાં શિવ મંદિરોમાં પણ શિવ લિંગ પર ભાંગનો અભિષેક થતો.
ડાહ્યાભાઈ ધોળશાજીનું કુટુંબ ઝવેરીનું. આવો મોભાદાર ધંધો છોડીને દીકરો ‘નાટકિયો-ચેટકિયો’ બને એ પિતા ધોળશાજી કઈ રીતે સહન કરી શકે? તેમણે દીકરાને કહી દીધું: એક બાજુ છે કુટુંબનો પ્રતિષ્ઠિત ધંધો, મોભો, સુખ-સમૃદ્ધિ, બીજી બાજુ છે તારાં નાટકચેટક. બેમાંથી એકની પસંદગી કરી લે. ડાહ્યા ડાહ્યાભાઈએ નાટકનો રસ્તો લીધો એટલું જ નહિ કુટુંબની બધી મિલકત ઉપર પોતાનો કોઈ હક્ક નથી એવી ફારગતી લખી આપી. મુંબઈમાં નાટકના ધંધામાં પૈસા અને પ્રતિષ્ઠા મળ્યાં. પણ માત્ર ૩૫ વરસની ઉંમરે ૧૯૦૨ના એપ્રિલની ૩૦મી તારીખે ડાહ્યાભાઈનું મુંબઈમાં અવસાન થયું. એક અઠવાડિયા સુધી દેશી નાટક સમાજનાં નાટકો બંધ રહ્યાં. મે મહિનાની સાતમી તારીખે ડાહ્યાભાઈનું જ લખેલું ‘વીણાવેલી’ નાટક ભજવાયું ત્યારે મેન ડ્રોપ કાળા રંગનો હતો અને તેની બંને બાજુ ડાહ્યાભાઈના ફોટા મૂકવામાં આવ્યા હતા.
જે દીકરા સાથેનો બધો જ સંબંધ તોડી નાખ્યો હતો એ દીકરાની કમાઉ દીકરા જેવી નાટક કંપની અને તેના ઘરનો ધોળશાજીએ બળજબરીથી કબજો લઈ લીધો. એટલે ડાહ્યાભાઈનાં પત્ની મણીબહેને બોમ્બે હાઈ કોર્ટમાં કેસ માંડ્યો. ધોળશાજી કેસ હારી ગયા. પછી ધોળશાજીએ મણીબહેન સાથે સમજૂતી સાધી. રોકડ રકમ આપીને કંપનીનો કારભાર જાણીતા લેખક જયંતી દલાલના પિતા ઘેલાભાઈ દલાલને સોંપ્યો. પણ થોડો વખત ચલાવીને ઘેલાભાઈએ કંપનીનો કારભાર ડાહ્યાભાઈના કાકાના દીકરા ચંદુલાલ દલસુખ ઝવેરીને સોંપ્યો. મણીબહેને પોતાનો તમામ હક્ક ઉઠાવી લીધો અને ચંદુલાલ દેશી નાટક સમાજના એકમાત્ર માલિક બન્યા.
કંપનીને વધુ ને વધુ આગળ વધારવાની લાહ્યમાં ચંદુલાલ દેવું કરતાં ગયા. તેમાં કેટલાંક નાટક નિષ્ફળ ગયાં. વીસ વરસ કંપની ચલાવ્યા પછી ટૂંકી માંદગીમાં ચંદુલાલનું અવસાન થયું. તેમની નાટક કંપની મુંબઈ હાઈ કોર્ટનાં રિસીવર નાનાભાઈ મૂસને સોંપાઈ. પણ થોડા અનુભવ પછી મૂસને સમજાયું કે કોઈ નાટક કંપની ચલાવવી એ હાઈ કોર્ટના રિસીવરનું કામ નથી. એટલે કોર્ટે નાટક કંપનીનું લિલામ જાહેર કર્યું. કાઠિયાવાડના સાહસિક વેપારી હરગોવિંદદાસ શાહે ૩૫ હજાર રૂપિયામાં દેશી નાટક સમાજ કંપની ખરીદી લીધી. તેમણે ઘણા ફેરફાર સાથે જૂનાં નાટક ફરી ભજવ્યાં. નવાં પણ લખાવ્યાં. ‘વીર પૂજન’ નાટક સતત નવ મહિના સુધી ભજવાયું. પ્રિન્સેસ થિયેટરના ચોગાનમાં આરામ ખુરસી પર શેઠ આખો દિવસ બેઠા હોય. સફેદ લાંબો કોટ અને ધોતિયું. બેંગલોરી ગોળ ટોપી બાજુની ટીપોય પર પડી હોય. બાજુમાં હોય હુક્કો. નોકર ગંગારામ વખતોવખત હુક્કો ભરતો જાય. શેઠ કંપનીમાં નવા નવા ચહેરા લાવતા ગયા: માસ્ટર કાસમભાઈ, આણંદજી કબૂતર, કેશવલાલ કપાતર, નાટ્યલેખક રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ, પ્રભુલાલ દ્વિવેદી, મૂળચંદ મામા, સંગીતકાર માસ્ટર ભગવાનદાસ, પ્રાણસુખ એડીપોલો, વગેરે. કારવાં બનતા ગયા. ‘સોરઠી સિંહ’ નાટક વખતે દેશી નાટક સમાજે એક હિંમતભર્યું પગલું ભર્યું. નાટકમાં પહેલી વાર સ્ત્રીની ભૂમિકા સ્ત્રી પાસે કરાવી. એ નટી તે મરાઠી અભિનેત્રી શ્યામાબાઈ.
બધું સમુંસૂતરું ચાલતું હતું ત્યાં ફરી અણધારી આફત. હરગોવિંદદાસ રંગભૂમિની સાથોસાથ શેર(બજાર)ભૂમિની ઉપાસના પણ કરતા. યાત્રામાં ગયા હતા ત્યારે એકાએક શેરના ભાવ ગગડ્યા. ૪૦ હજાર રૂપિયાનું નુકસાન. પૈસા કાઢવા ક્યાંથી? કરો નવું નાટક. પ્રભુલાલ દ્વિવેદીએ તાબડતોબ નવું નાટક લખ્યું. રાત-દિવસ રિહર્લસર ચાલે. ૧૯૩૮, માર્ચ ૩૧. એ નાટકનું ગ્રાંડ રિહર્લસર. પણ જોતાંવેંત બધાને લાગ્યું કે આ નાટક તો ડબ્બો છે. હરગોવિંદદાસ શેઠ બબડ્યા: ‘મારું મોત બગાડ્યું.’ રાતોરાત નબળી કડીઓને સુધારી, મઠારી. પછી બીજી એપ્રિલે તેની પહેલી નાઈટ. શેઠ તો માંદગીને લીધે જોવા આવ્યા નહોતા. પણ નાટક ખૂબ ઊંચકાયું. પડોશી પૂનમભાઈએ આ ખબર શેઠને આપ્યા અને કહ્યું: ‘નાટક સોળ નહિ, વીસ આની સફળ.’ નાટક પૂરું થયા પછી બધા મુખ્ય કલાકારો પણ શેઠને ઘરે ગયા અને સારા ખબર આપ્યા. શેઠ કહે: હવે મારું શેર બજારનું વલણ ચૂકવાઈ જાય એટલે મારા જીવને શાંતિ. નાટકની પાંચ નાઈટની આવકમાંથી જ વલણ ચૂકવાઈ ગયું. પણ તે જ રાત્રે, ૧૯૩૮ના એપ્રિલની અગિયારમી તારીખે રાત્રે બાર વાગ્યે હરગોવિંદદાસ શેઠનું અવસાન થયું.
એ નાટક તે કયું? એની વાત હવે પછીના ચોથા અંકમાં. અને હા, દેશી નાટક સમાજ અંગેની એક વણઊકલી ગૂંચની વાત પણ હવે પછી.
deepakbmehta ના સૌજનય થી
xxx xxx xxx

Posted in Uncategorized | Leave a comment

જયંતિ પટેલ,રંગલાની ચિરવિદાય

 

ગુજરાતી નાટ્યભૂમિ અને નાટ્ય-સાહિત્યના ક્ષેત્રે અદકેરું પ્રદાન કરનારા અને

તેમના કિરદારના કારણે રંગલો’ તરીકે લોકપ્રિય થયેલા જયંતિ કાલિદાસ પટેલ 

“જ્યારે વ્યક્તિ જૂઠની ચાદર ઓઢીને સૂતો હોય ત્યારે જિંદગી વધારે આરામદાયક અને શાંતિપૂર્ણ હોય છે.”
અને
“હું જ ખોવાઈ ગયો છું ,મેં રચી માયા મહીં,
ને હું ને હું જડતો નથી ,મેં રચી માયા મહીં”
આ ડાયલોગ અને કવિતાના શબ્દો છે સ્વ ડો. જયંતિ પટેલના ના લખેલ “મારા અસત્યનાં
પ્રયોગો”નાટકના.ક્યારેય નહી વિસરાય “રંગલો” ના હુલામણા નામથી જાણીતા શ્રી જયંતિ પટેલ.
સદાય હસતો અને હસાવતો એ ચહેરો મારી નજર સામેથી ઓઝલ થવાનું નામ નથી લેતો.એમની વિદાય નથી થઈ એમનો રંગમંચ અત્યારે બદલાયો છે ઈન્દ્રપુરીમાં. દેવો પણ અત્યારે “અસત્યના પ્રયોગો” જોઈ હસતા હશે.
યુવાવસ્થાથી જ નાટકનાં રંગે રંગાયેલ જયંતિ પટેલનો જન્મ અમદાવાદમાં ર૪ મી મેં ૧૯૨૫માં થયો હતો પરંતુ તેમની કર્મભૂમિ હમેશાં મુંબઈ રહી હતી.પિતા કાલિદાસ તેમને ખૂબ નાની વયમાં છોડી ગયા હોવાથી માતા જશીબેને જ તેમને મામાના ઘેર જ ઉછેરેલા.તેમના મામા એટલે તે વખતના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ અંબાલાલ તક્તાવાલા.૧૯૪૨ની સ્વાતંત્ર્ય ચળવળમાં ગોળીબારમાં તે પગે ઘવાયા અને બે વર્ષ પથારીમાં રહ્યા.૧૯૪૮માં ગુજરાત કોલેજમાંથી બી.એ થયા. તેમના લગ્ન શારદાબેન સાથે થયા જે વ્યવસાયે પ્રાથમિક શાળાના મોન્ટેસરી ટ્રેઈન ટીચર હતા.તેમને ત્રણ બાળકો નિવેદિતા,વર્ષા અને નિલેશ છે. મુંબઈમાં તેમણે નાટકની સાથોસાથ કેમિકલ અને મિનરલ્સનો વેપાર કર્યો.અખંડ આનંદમાં
‘રંગલાની રામલીલા’ ના શિર્ષક હેઠળ તેમના નાટક અંગેના લેખો છપાતા.૨૦૧૩માં તેમને સાહિત્ય અકાદમી તરફથી”રંગલાની રામલીલા” માટે દ્વિતીય પારિતોષક પણ મળ્યું હતું.તેમણે ફિલ્મ ઉદ્યોગ ક્ષેત્રે પણ તેમનો હાથ અજમાવ્યો હતો.
૧૯૬૭માં પુલિત્ઝર ઇનામ વિજેતા નાટકનું ગુજરાતી રુપાંતર કરવા માટે જે.એફ.કે સ્કોલરશીપ હેઠળ ન્યુયોર્ક આવ્યા.૧૯૭૬માં ફરી તેમને ‘ઓલ્ટ્રેનેટીવ થિએટર’ની સ્કોલરશીપ મળી અને પછી લગભગ ર૫ વર્ષ અમેરિકા રહ્યા.તે દરમ્યાન જ ૧૯૮૧માં “નાટ્યયોગ “પર પી.એચ.ડી. કર્યું અને ડો. જયંતિ પટેલની ઉપાધિ પ્રાપ્ત કરી.૧૯૮૨માં સ્વામી બ્રહ્માનંદ સરસ્વતીના ન્યુયોર્ક મનરો ખાતેના આનંદઆશ્રમમાં જોડાયા.
ગુજરાતી રંગભૂમિના ક્ષેત્રે અભિનેતા,કાર્ટૂનિસ્ટઅને લેખક -દિર્ગદર્શક તરીકે પ્રતિષ્ઠા પામેલ જયંતિ પટેલ એટલે “રંગલો” એ આ દુન્યવી રંગભૂમિને અલવિદા કરી દીધી. ૨૬ મેં ના રોજ ડો. જયંતિ પટેલ ઉર્ફ અભિનયાનંદજીએ  તેમનાે અભિનય દુનિયા પરથી સંકેલી લીધો.સ્વ જયંતિ પટેલે હાસ્ય અભિનેતા અને હ્યુમરિસ્ટ રાઈટર તરીકે ગુજરાતી રંગભૂમિના ક્ષેત્રે આગવું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ગુજરાતી નાટકોના ઇતિહાસમાં તેમનું માતબર પ્રદાન છે.ઓલ-ઈન્ડીયા રેડિયો પર તેમણે કેરેક્ટર રંગલો ઘણા સમય સુધી ભજવ્યું હતું. કાર્ટુનમાં રસ હોવાથી તેમણે બંસીલાલ વર્મા ‘ ચકોર’ ના કાર્ટુન
અંગે પણ પુસ્તક તૈયાર કરેલ. તેમણે ભવાઈના સ્વરુપ પર સંશોધન કરી તેને આધુનિક સ્વરુપ આપ્યું.તેમાં સૂત્રધાર “રંગલો” નું પાત્ર ભજવી દેશવિદેશમાં ખૂબ લોકચાહના મેળવી.
“મારા અસત્યનાં પ્રયોગો “ તેમનું ખૂબ પ્રચલિત નાટક હતું. તેમણે રંગીલો રાજા,આ મુંબઈનો માળો,સરવાળે બાદબાકી,નેતા અભિનેતા,સપનાના સાથી,મસ્તરામ,સુણ બે ગાફેલ બંદા જેવા નાટકો લખ્યા અને ભજવ્યા.હું ગાંધી અને ચાર્લી ચેપ્લીન જેવું વિવેચન પુસ્તક લખ્યું.તે ચાર્લી ચેપ્લીનનાં ઘેર પણ રહી આવ્યા હતા.તેઓ ખૂબ ઊંચા ગજાના કાર્ટુનિસ્ટ હતા.ભવાઈ અને કાર્ટુનની કથા તેમના પરિચય – પુસ્તક હતા.અમેરિકામાં પચ્ચીસ વર્ષ રહીને અહીં પણ તેમણે નાટ્યપ્રવૃત્તિ કરી હતી.ત્યારબાદ જીવનના પાછલા વર્ષો તેમણે ભારતમાં રહી પસાર કર્યા. તેમની ખોટ ગુજરાતી રંગભૂમિને હમેશાં સાલશે.
જીગીષા પટેલ
(તસ્વીર- સુરેશભાઈ જાની બ્લોગ -આભાર )

 

Posted in Uncategorized | Leave a comment

ગુજરાતની ધરોહર – ભવાઈ

 

૧લી મે, ૧૯૬૦ ગુજરાતનો જન્મદિવસ છે. એ નિમિત્તે, આજે ૧૪મી મે, ૨૦૧૭ને દિન, આપણે સહુ, મીલપીટસ, કેલિફોર્નિયામાં ગુજરાત દિન ઉજવી રહ્યા છીએ. આપણે સહુ ગુજરાતીઓ સાથે મળી, ગુજરાતથી-વતનથી હજારો માઈલ દૂર રહી ગુજરાતના કલા વારસાનું જતન કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ સાચે જ દર્શાવે છે કે ગુજરાતી તરીકે આપણી ધરોહરનો પરિચય આજની અને આવનારી પેઢીને કરાવવા માટે પ્રજા તરીકે આપણે સજાગ થતાં જઈએ છીએ, એ આપણું ઉજળું પાસું છે. એ સાથે જ, ગળામાં વતનથી દૂર હોવાનો ડૂમો પણ ભરાઈ આવે છે અને ગુજરાતી હોવાનું ગૌરવ પણ મનમાં છલકાય છે.

સિંધુ ખીણ સંસ્કૃતિના પુરાતન અવશેષોથી માંડી મહાભારતના કાળથી લઈ ને, ગુજરાત એક સળંગ ઈતિહાસ ધરાવે છે. મને વિચાર આવે છે કે આટલો વિરાટ કાળપ્રવાહ ઝીલનારા આ પ્રદેશનો વારસો કેટલો અદભૂત હશે? આ વારસાનું ફલક પણ કેટલું વિશાળ છે! આ ધરોહરની ફલક આવરી લે છે, ભાષા, સાહિત્ય, સંગીત, નૃત્ય, તહેવારો કે ઉત્સવો ને મેળાઓ, ભોજનકળા, કાળને અનુરુપ સામાજિક ને કૌટુંબિક મૂલ્યોને સાચવતા રીત-રિવાજો, પ્રાદેશિક સ્થાપત્ય, જનસમાજની રહેણી, નદીઓ, પર્વતો અને વિજ્ઞાનને આવરી લેતા ધાર્મિક મૂલ્યો! આવી અમૂલ્ય ધરોહરનું – Legacy કે Heritage –નું, અને એના દરેક ઐતિહાસિક પાસાઓનું જતન ગુજરાતથી બહાર રહીને કરવું કે કરાવવું એ ખરેખર અતિશય કપરું છે. આ કામ કરવાનું બીડું ઝડપનાર તથા આજના બે અરિયાના સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરનાર અને એની સાથે સંકળાયેલા સર્વ કાર્યકર્તાઓ ને કલાકારોને હું આ અદભૂત કાર્ય કરવા માટે હ્રદયપૂર્વક ધન્યવાદ આપી એમનું અભિવાદન કરું છું.      

ભવાઈ દ્વારા લોકસાહિત્ય, સંગીત ને વૈવધ્ય ધરાવતા નૃત્યોની રજુઆત કરીને આપાણા ગુજરાતની અનોખી મિરાતની ઝાંખી કરાવવાનો અને ઉજવવાનો આ અવસર સાચે જ અણમોલ છે. ભવાઈની વ્યુત્પતિ અંબામાની ભક્તિ અને નારીશક્તિનો મહિમા કરવાના આશયથી થઈ હતી. ચૌદમી સદીમાં ગુજરાતના કાઠિયાવાડમાં પ્રચલિત નાટયપ્રકારોમાંથી પ્રેરણા મેળવી સિધ્ધપુરના ઔદિચ્ય બ્રાહ્મણકુળમાં જન્મેલા કવિકથાકાર અસાઇત ઠાકરે એક નવા નાટયપ્રકારભવાઇનું સર્જન કર્યું હતું. ભવાઇનું પોત ગદ્ય, પદ્ય, વિવિધ સ્થાનિક વાદ્યો, ગેયતા, નૃત્યો અને અભિનય કળાથી શોભે છે. આજે આપણા સહુ માટે આ અવસર મહત્વનો છે કારણ કે આ ભવાઈનું સર્જન આજના સાંપ્રતકાળમાં, વતનથી એક અરસાથી દૂર રહેતા પૂ. સ્વ. મેઘલતાબેન મહેતાએ કર્યું છે, એટલું જ નહીં, આ સર્જનને સંગીત અને નૃત્યથી આપણા, પોતાના લાડીલા સ્થાનિક કલાકારોએ મઢ્યું છે. સિનેમા, ટીવી, રેડિયો જેવાં સાધનો હતાં તે યુગમાં વિભિન્ન ભવાઈના વેશોના વૈવિધ્ય દ્વારા લોકોને જ્ઞાન, શિક્ષણ અને મનોરંજન પૂરાં પાડવામાં આવતાં.  ભવાઇ લોકજીવનના તાણાવાણા સાથે વણાઇ ગઇ હતી. કેટલાક સાહિત્ય વિશારદો અને સંશોધકોએ ભવાઇનેભાવપ્રધાન નાટકોકહ્યાં છે. ભૂલાઈ ગયેલી, વિસ્મૃત થતી જતી આ ભવાઈને અહીં રજુ કરવાના આ ભગીરથ કાર્ય માટે હું “બેઠક”ને તથા સહુ સ્થાનિક કલાકારોને હાર્દિક અભિનંદન આપું છું. ગુજરાત દિન નિમિત્તે ભવાઈને આપણા સમક્ષ લાવીને, આ બધાએ આપણને સહુને ગૌરવાન્વિત કર્યા છે. એક સાથે આટલી બધી લલિત કળાઓનો સંગમ ભવાઈ સિવાય બીજા કોઈ મનોરંજનના પ્રકારોમાં વિશ્વભરમાં નથી. આજે એક જ વિચાર આવે છે કે ભારતના એક રાજ્યમાં સંસ્કૃતિનો આટલો ખજાનો છે તો દસ હજાર વરસ જૂના, આપણા સમસ્ત દેશ, ભારતની ધરોહર કેટલી મહાન હશે! તો, આપણને આજે માત્ર ગુજરાતી તરીકે જ નહીં પણ એક ભારતીય ગુજરાતી હોવાનું ગૌરવ પણ આ ગુજરાત દિનની ઉજવણીએ કરાવ્યું છે. જય જય ગુજરાત. જયહિંદ.

  • જયશ્રી વિનુ મરચંટ, એપ્રિલ ૨૨, ૨૦૧૭

 

           

Posted in Uncategorized | Leave a comment

રસકવિ શ્રી રઘુનાથ બ્રહ્મભટ્ટ.

તાળીઓના ગડગડાટ સાથે વન્સમોર…વન્સમોર……નો નાદ જ્યારે સભાગૄહમાંથી ઊઠે ,સ્ટેજ પર ભજવાતું નાટક હોય કે ગીત-સંગીત , એને માણનાર રસિક શ્રોતાગણ જ્યારે ફરી ફરીને એની જ રજૂઆત કરવાનો આગ્રહ રાખે ત્યારે એ કવિ, ગીતકાર, ગાયક કે નાટ્યકારને કેવી અનુભૂતિ થતી હશે? આવી અનુભૂતિ કરનાર રસકવિ શ્રી રઘુનાથ બ્રહ્મભટ્ટ અત્યારે તો આપણી વચ્ચે હયાત નથી પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે આજે પણ ગુજરાતી રંગભૂમિ રઘુનાથ બ્રહ્મભટ્ટને “ વન્સમોર”ની શૃંખલા રચનાર ગીતકાર તરીકે હંમેશ યાદ રાખશે.

એક પછી એક એવી ઉત્તમ કાવ્યો-ગીતો અને નાટકોના રચયિતા હોવા છતાં પણ સૌ લોકો તો એમને રસકવિથી વધુ જાણે એનું કારણ એ કે જ્યારે એ ગાય.. “નાગરવેલીઓ રોપાવ તારા રાજમહેલમાં” ત્યારે ભલે નાગરવેલીઓ રોપાઇ હોય રાજમહેલમાં પણ એને મહેંક તો ચારેબાજુ પ્રસરી હોય.  રસકવિ નાગરવેલીઓ રોપાવે કે “સાહ્યબાને ગુલાબનો છોડ” કહે રસીલી નારીઓ લવંગ કેરી વેલ થવા તૈયાર…તેમના ગીતો લોકગીત હોય એવી અને એટલી ખ્યાતિ પામ્યા છે અને ગરવી ગુજરાતણોએ એને હોંશે હોંશે વધાવ્યા છે. કવિએ એમની રચનાઓ શૃંગારરસથી ભલે શણગારી હોય પરંતુ એમાં ક્યાંય સુરુચિભંગ થયાનો અણસાર સુધ્ધા નહોતો.

ભલે એ રસકવિ તરીકે ખ્યાતિ પામ્યા પણ શ્રી રઘુનાથ બ્રહ્મભટ્ટે નાટકો પણ લખ્યા અને પૌરાણિક કથાબીજવાળા એમના નાટકો સફળતાને વર્યા અને નાટકો પણ પાછા કેવા ? કવિતાપ્રધાન. તેમના નાટકો ગીતોના લીધે વધુ યશને વર્યા. એમનું આ યોગદાન ગુજરાતી રંગભૂમિ માટે ચિરંતન સંભારણું બની ગયું. બુદ્ધદેવ, શૃંગીઋષિ, અજાતશત્રુ, ભાવિપ્રાબલ્ય, અશોક, સરસ્વતીચંદ્ર, અનારકલી,સ્નેહમુદ્રા, પ્રેમવિજય, કલ્યાણરાજ, સૂર્યકુમારી, ઉષાકુમારી, નવીન યુગ, લક્ષ્મીનારાયણ જેવા નાટકો આપ્યા. કવિ શ્રી હરિન્દ્ર દવે કહે છે કે કવિ રઘુનાથ બ્રહ્મભટ્ટે રંગભૂમિને ‘અતોનાત’ પ્રેમ કર્યો છે. આ શબ્દનો ઉલ્લેખ જેમના માટે થયો હોય એવા નાટ્યકારનો રંગભૂમિ પ્રત્યેનો પ્રેમ કેવો હોઇ શકે એ આ ‘અતોનાત’ શબ્દપ્રયોગથી જ પરખાઇ નથી આવતું?

કવિતાઓ અને નાટકોની સાથે એમણે નવલકથા “યશોધર્મા” પણ લખી. તો પછી એમની આત્મકથા “સ્મરણમંજરી”ને કેમ વિસરાય? ‘ સ્મરણમંજરી’માં ગુજરાતી રંગભૂમિના ૩૦ વર્ષો દરમ્યાનનો એમના સ્મૃતિવારસાનો અમૂલ્ય ખજાનો સચવાયો છે. લગભગ ૧૯૧૦થી ૧૯૪૦ના સમયની ગુજરાતી રંગભૂમિ વિશે ‘ સ્મરણમંજરી’માં કરેલો ઉલ્લેખ કદાચ રંગભૂમિ પર રિસર્ચ કરવા ઇચ્છુક માટે અત્યંત મહત્વના દસ્તાવેજ સમો બની રહે.

આજે જ્યારે જૂની રંગભૂમિને યાદ કરીએ ત્યારે આ નિરાભિમાની નાટ્યકાર યાદ આવ્યા વગર રહે ખરા? કદાચ ક્યાંક એમનો આત્મા ગુજરાતી રંગભૂમિના તખ્તાને, એના પર નાટકો ભજવતા કલાકારો અને ગુજરાતી અસ્મિતા જાળવતા હર એક ગુજરાતીને અમી નજરે પોંખતો હોય તો નવાઇ નહીં.

રાજુલ કૌશિક

 

સૌજન્ય શ્રી સુરેશભાઇ જાની.

Posted in Uncategorized | Leave a comment

રંગલો- ઘનશ્યામ નાયક

નટુકાકા ઉર્ફે ઘનશ્યામ નાયક જેઓ વડનગર પાસેના ઊંઢાઈ ગામના વતની છે વારસાઈ રંગભુમિના ગુણો હોવાથી  બાળપણથી જ અત્યાર સુધી  ૧૦૦ જેટલા નાટકો, ૨૫૦ જેટલા પિક્ચરોમાં કામ કર્યું છે જેમાં અશોકકુમારથી માંડી ઐશ્વર્યા રાય સુધીના કલાકારો સાથે કામ કર્યું છે તેમજ દિલ દે ચુકે સનમ પિક્ચરમાં તેમનો સંવાદ ‘તોડી નાખું, મારી નાખું ભાગી નાખું ભુક્કો કરી નાખું’ જે ખુબ જ પ્રખ્યાત થયો હતો જેમણે રમેશ મહેતાની હસ્તમેળાપ ગુજરાતી પિક્ચરમાં પ્રથમ વખત કામ કર્યું હતું.

પ્રખ્યાત નાટકોમાં સંપત્તિ માટે, વડીલોના વાંકે, સંતાનોના વાંકે, જટ જાઉં ચંદન હાર લાઉં વગેરે નાટકોમાં ભાગ લીધો હતો અને તે પ્રખ્યાત થયા હતા. છેલ્લે હાલમાં દુનિયાના ઉંધા ચશ્મા સિરીયલનું શુટીંગ મુંબઈમાં ચાલુ છે.

‘મારો શેઠ મારો પગાર નહિ વધારે પણ હું પગાર વધારો માગતો રહીશ તમે જોતા નથી મોંઘવારી કેટલી વધી ગઈ છે?’ શેઠ મેરા પગાર કબ બઢાઓગે તેવો પ્રશ્ન સતત પૂછીને વિખ્યાત હાસ્ય કલાકાર તારક મહેતાની  ઉંધા ચશ્મા સિરીયલ દ્વારા હાસ્યનું વાવાઝોડું ફુંકનાર નટુકાકા ઉર્ફે ઘનશ્યામ નાયક રંગલો આજની સળગતી સમસ્યા મોંઘવારી જનતાના પ્રશ્ને વાચા આપવાનો પ્રયત્ન કર્યો છે.

રંગભુમિના જુના કલાકાર ઘનશ્યામ નાયક (નટુકાકા)ને દુનિયાના ઊંધા ચશ્મા સિરીયલ વિશે પુછતાં  મુલાકાત લેતાં તેઓએ જણાવ્યું હતું કે આ સિરીયલ કૌટુંબિક છે સમાજને સાચી દિશા બતાવે છે વાસ્તવિકતા દર્શાવે છે સહ પરિવાર સાથે બેસીને જોઈ શકાય તેવી આ સિરીયલ છે. આ સિરીયલમાં જાયરેક્ટરથી માંડી હિરો-હિરોઈન બધા જ ગુજરાતી છે જો કોઈ લેખકના નામ પર કોઈ સિરીયલ ચાલી હોય તો તે આ સિરીયલ છે.

રંગભુમિ અને સિરીયલમાં કોઈ ફરક છે તેમાં જણાવ્યું હતું કે રંગભુમિથી માણસ ઘડાય છે અને રંગભુમિ ક્યારેય મરવાની નથી પરંતુ સમય આવે તેનો પ્રકાર બદલાય છે ભારતની કલા જેવી કોઈ કલા નથી ટીવી સિરીયલોમાં વાસ્તવિકતા બતાવવી જોઈએ તે બતાવતા નથી ટીવીમાં લગ્ન ધામધુમથી ઉજવાય છે જેની અસર સમાજ ઉપર પડે છે. જુના સમયમાં સિરીયલોમાં કથા વસ્તુ એવી હતી કે લોકો સિરીયલ જોઈ  રડી પડતાં તેવું આજની સિરીયલોમાં જોવા મળતું નથી તે દુઃખદ બાબત છે.

 

Posted in Uncategorized | Leave a comment

ગુજરાતી રંગમંચને સમર્પિત કરીએ એક દિવસ”

 

“ભલે લાગતો ભોળો પણ છેલ છબીલો ગુજરાતી, હા ભાઈ છેલ છબીલો ગુજરાતી, હું છેલ છબીલો ગુજરાતી, તા થૈયા થૈયા તા થઈ…. તા..તા..થૈયા… થૈયા…તા…થઈ……….!!”

ઉપરોક્ત પંક્તિ વાંચતા જ રંગલો અને રંગલીનું પાત્ર આંખો સામે તાદૃશ્ય થઈ જતું હોય છે. (જેણે નાટકનો લહાવો લીધો હોય એમની આંખોમાં જ) બાકી આજની પેઢી માટે ‘ઓહ, પેલું ગુજજુ નાટક’ એમ કરીને તરછોડાયેલી સંસ્કૃતિ બની ગઈ છે. મલ્ટિપ્લેક્સ થિયેટર, પબ્સ અને ઇન્ટરનેટની દુનિયાની બાદશાહ બનેલી આજની પેઢી કદાચ રંગલો અને રંગલીના પાત્રને ‘જોકર’થી વધુ ગણતી નથી. પરંતુ આમા વાંક કોનો? ફક્તને ફક્ત તેમના વડીલોનો જ, જે નવી પેઢીના પથદર્શક છે. કારણકે સંસ્કૃતિ અને સંસ્કારોનું સિંચન બાળકોમાં વડીલો દ્વારા જ થતું હોય છે. જો કે વાતને અહીં કોઈનો વાંક કે ગુનો  શોધવા માટે નથી છેડાઈ, પરંતુ ગુજરાતી રંગમંચની આછી થઈ ગયેલી છાપને (આછી એટલા માટે કારણકે હજુ પણ શહેરો અને ગામડાઓમાં નાટકો અને થિયેટર હજી ધબકતું  છે) ઘાટી કરવાના પ્રયત્નરૂપે કરાઈ છે.

૧૮૫૩ના ઓક્ટોબર માસમાં દાદાભાઈ નવરોજીના આશીર્વાદથી ફરામજી રુસ્તમજી દલાલના સંચાલન હેઠળ પારસી નાટક મંડળી સ્થપાઈ અને “રૂસ્તમ સોહરાબ” નામનું પહેલું નાટક રજૂ થયું અને ગુજરાતી રંગભૂમિનું મંગળાચરણ થયું. ફરામજી ગુસ્તાદજી દલાલે પોતાનું આખું જીવન પારસી રંગભૂમિને સર્મિપત કરી દીધું. ૧૮૫૩માં મુંબઈમાં જ્યારે પ્રથમ પારસી નાટક ભજવાયું ત્યાર પછી થોડાક જ સમયમાં સુરતમાં પણ પારસી ક્લબે શેક્સપીયરના નાટક “ધી ટેમિંગ ઓફ ધી શ્રુ”નું ગુજરાતી રૂપાંતર “નઠારી ફિરંગણ ઠેકાણે આવી” ભજવ્યું. પારસીઓએ એકંદરે અન્યને સહાય કરવાના હેતુથી નાટકને માધ્યમ તરીકે સ્વીકાર્યું હતું.

એ જમાનામાં કલાકારોના અવાજની પ્રબળતા અને વિવિધતા તેને સફળતા અપાવતી, કારણ તે જમાનામાં માઈક વગેરે યાંત્રિક પરિબળો ન હતાં. પણ તેઓ નાટકના દૃશ્યની સજાવટ ભવ્યતાથી કરતા કે પડદો ખૂલતાં જ પ્રેક્ષકો તાળીઓના ગડગડાટથી વધાવી લેતા. સંચાલકો પડદાઓ પાછળ ખૂબ જ ખર્ચા કરતા. ઇંદ્ર ના દરબારમાં રંગબેરંગી પરીઓ પ્રવેશે ત્યારે આખો દરબાર ઝગમગી ઊઠતો.

કેમેરા અને આધુનિક સાધનો વગર દિગ્દર્શન કરનારા નાટકના દિગ્દર્શકોની 30 x 30ના સ્ટેજ ઉપર રિયલ ચિત્ર ઊભું કરી દર્શકોના મનમાં ઉતારવાની એ કળા ખરેખર પ્રસંશનીય કરતાં પણ વધારે છે. 3 ઈડિયટ્સ, મુન્નાભાઈ અને દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે જોઈને સિનેમાની બહાર વખાણ કરતી નવી પેઢીએ આ ડાયરેક્શન પણ જોવા અને સમજવા જેવું છે. એડવેન્ચર અને દરેક વાતના મૂળ સુધી પહોંચવામાં માનનારી આજની પેઢીએ નાટકના ડાયરેક્શન અને એક્ટિંગને ઓછું આંકવાની ભૂલ કરવા જેવી નથી.

અરે, જરા નજર તો નાંખી જુઓ બોલીવુડમાં કે જેની પાછળ લોકો ઘેલાં બન્યાં છે તેના સફળ અને ખરાં કલાકારોમાં ગણતરી કરી શકાય તેવા કલાકારોના મૂળિયાનો વિકાસ થિયેટરથી જ થયેલો છે. એમાંય ઘણા બોલીવુડના નામચીન કલાકારોને ગુજરાતી રંગમંચે જ ઓળખ અપાવી છે. ગુજરાતી રંગમંચ સાથે જોડાયેલા અથવા તો ગુજરાતી સંસ્કૃતિ પ્રેમીઓ તો જાણતા જ હશે પરંતુ જેઓ ગુજરાતી રંગમંચને ઓછું આંકે છે તેમના માટે કે ઉદાહરણ તરીકે વાત કરીએ પરેશ રાવલની કે પછી અરૂણા ઈરાનીની કે અસરાનીની. મોટા ભાગના કલાકારો થિયેટરથી જ વિકાસ પામ્યા છે. આગળ નામોની યાદી વધારીએ તો નસરુદ્દીન શાહ, સંજીવ કુમાર, વિનય પાઠક, દિના પાઠક, કેતકી દવે (ક્યોંકિ સાસ…ફેમ), નિરુપા રોય, મલ્લિકા સારાભાઈ, કિરણ કુમાર, રત્ના પાઠક (સારાભાઈ vs સારાભાઈ), પ્રવીણ જોષી, સરિતા જોષી, આશા પારેખ, ફિરોજ ઈરાની, કલ્પના દિવાન (જેમનું ગઈ કાલે જ અવસાન થયું), સુપ્રિયા પાઠક (ખીચડી ફેમ હંસા), અપરા મહેતા, ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી, દેવેન ભોજાણી જેવા દિગ્ગજ કલાકારો આજે પણ બોલીવુડ અને હિંદી ટીવી સિરિયલોમાં પોતાનો ડંકો વગાડે છે. યાદી હજુ પણ લાંબી બને એમ છે પરંતુ અહીં એવા નામો આપ્યાં છે જેને આજની પેઢી પડદે તો જુએ છે પરંતુ ગુજરાતી મૂળના છે કે નહીં તેનો ખ્યાલ નથી.

કારણકે આ ઉપરાંત ખરા રંગમંચના કલાકારો જેમણે રંગમંચ ઉપર જ પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું તેવા નમસ્કારીય કલાકારોને યાદ કરીએ તો જયશંકર સુંદરીનું નામ સૌ પ્રથમ આવે. ખરું નામ તો જયશંકર ભોજક પણ એકવાર તેમણે ‘સૌભાગ્ય સુંદરી’ નાટકમાં સ્ત્રીની ભૂમિકા ભજવી અને લોકોએ ખૂબ વખાણી અને ત્યારથી જ સુંદરીનાં ઉપનામથી ઓળખ્યા. તેમણે લગભગ ૩૦ વર્ષ સુધી મોટા ભાગના નાટકોમાં સ્ત્રીની ભૂમિકા ભજવી. તેમની યાદમાં અમદાવાદના રાયખડ વિસ્તારમાં જયશંકર સુંદરી હોલ બનાવવામાં આવ્યો છે. તેમને ૧૯૭૧ માં પદ્મભૂષણ એનાયત કરવામાં આવ્યો હતો.

ગુજરાતી રંગમંચ વિશે લખાય અને વર્ણન કરાય તેટલું ઓછું છે કારણકે કલા અને વિકાસનું ક્યારેય માપ હોતું નથી. આજની પેઢીને ટાંકીને લખાયેલો આ લેખ ગુજરાતી પેઢીના વિરુદ્ધમાં નથી અને હોઈ પણ ન શકે. કારણકે આજના જમાનામાં પણ લો ગોર્ડનનો ઠાકોરભાઈ દેસાઈ હોલ દર રવિવારે હાઉસફુલ જાય છે અને નાટકના કલાકારો તેમ જ પ્રેક્ષકોમાં યંગિસ્તાન જોવા મળે છે. એવું નથી કે યુવા જોમ ગુજરાતી રંગમંચ માટે મરી પરવાર્યું છે, બસ થોડું ભાન ભૂલ્યું છે પશ્ચિમી સંસ્કૃતિ પાછળ. કોઈને ટોકવાની કે રોકવાની વાત નથી, પોતાનું જીવન છે જેમ ઇચ્છા થાય તેમ જીવવું જોઈએ તેવું માને છે આજની પેઢી. પરંતુ દરેક કામમાં પેશન અને કંઈક યુનિક કરવાની ઇચ્છા ધરાવતી પેઢીએ (જે લોકો રંગમંચ ક્ષેત્રે સંકળાયેલા છે તેમની માટે જ) યાદ રાખવા જેવું છે કે એ જ વસ્તુ થિયેટર-રંગમંચથી વધારે એ તમને કોઈ આપી શકે તેમ નથી.

ગુજરાતી ફિલ્મો સારી નથી હોતી, એક્ટિંગ બોગસ હોય છે, ડાયરેક્શન ભંગાર છે આવાં વાક્યો બોલવાથી કંઈ થવાનું નથી અને જે લોકોને તેની માટે કંઈ કરવું નથી તેમને બોલવાનો કોઈ હક્ક પણ નથી. અરે, સારી ફિલ્મો નથી બનતી તો બનાવો, એક્ટિંગ બોગસ છે તો સંબંધિત લોકો એક્ટિંગ શીખે, ગુજરાતી રંગમંચ માટે સમર્પિત થાય. ફક્ત આમ ગુજરાતી રંગમંચ સારું નથી, તેમાં દમ નથી એ રીતે તેને આપણી સામે જ આપણા દ્વારા કેન્સરના દર્દીની જેમ તરછોડીને નબળું પાડીને મરવા ન દેવાય. રંગમંચને સમૃદ્ધ કરવા બસ, જરૂર છે એક વિચારની, એક વિશ્વાસની, કંઈક કરી છૂટવાના જુસ્સાની જે ગુજરાતી રંગમંચ અને ગોલીવુડને (ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી) સાચા અને સેંકડો દર્શકો જરૂરથી પૂરાં પાડશે.

ગુજરાતી રંગભૂમિનો ઇતિહાસ અને કલાના અખૂટ ભંડાર માટે હજુ ઘણું લખવાનું બાકી રહી ગયું હોય તેમ જ લાગ્યા  કરે  છે ત્યારે આટલું લખ્યું તેમાં ભૂલચૂક બદલ માફ કરી આભારી કરશો અને વિશ્વરંગભૂમિ દિને ગુજરાતીલેક્સિકોન ટીમ વતી ગુજરાતી રંગમંચ સાથે સંકળાયેલ તમામ કલાકસબીઓને અમારી અંત:કરણથી સ્નેહભરી શુભેચ્છાઓ.
00041088.gif

આભાર ગુજરાતીલેક્સિકોન ટીમ

 

Posted in Uncategorized | Leave a comment

મારા ભાભી તમે રહેજો તમારા ભારમાં-ચિત્રપટઃ વરઘેલી (૧૯૪૯)

 

 મારા ભાભી તમે રહેજો
 
	ઓ    ભાભી તમે
	મારા  ભાભી તમે  રહેજો  તમારા  ભારમાં

	ઓ    ભાભી તમે
	મારા  ભાભી તમે  રહેજો  તમારા  ભારમાં

	વહુવારુ થઈ આવ્યા તમે સાસરના દ્વારમાં
	વહુવારુ થઈ આવ્યા તમે સાસરના દ્વારમાં

	ઓ    ભાભી તમે
	મારા  ભાભી તમે  રહેજો  તમારા  ભારમાં

	ઓ    ભાભી તમે
	મારા  ભાભી તમે  રહેજો  તમારા  ભારમાં

	પ્રેમ  કેરા  પંથમાં  કહ્યાગરો   કંથ  મળ્યો
	પ્રેમ  કેરા  પંથમાં  કહ્યાગરો   કંથ  મળ્યો

	સમજુ  થઈ
	હવે    સમજુ    થઈ    રહેજો   સંસારમાં
	હવે    સમજુ    થઈ    રહેજો   સંસારમાં

	ઓ    ભાભી તમે
	મારા  ભાભી તમે  રહેજો  તમારા  ભારમાં

	ઓ    ભાભી તમે
	મારા  ભાભી તમે  રહેજો  તમારા  ભારમાં

	પ્રેમ   કેરી   મર્યાદા    જીરવીને   જાણજો
	પ્રેમ   કેરી   મર્યાદા    જીરવીને   જાણજો
	ઊઘાડું   માથું    રાખી   ઘૂંઘટડો  તાણજો
	ઊઘાડું   માથું    રાખી   ઘૂંઘટડો  તાણજો

	બહુ  ઘેલાં  ન  થાશો  ભરથારમાં
	બહુ  ઘેલાં  ન  થાશો  ભરથારમાં

	ઓ    ભાભી તમે
	મારા  ભાભી તમે  રહેજો  તમારા  ભારમાં

	ઓ    ભાભી તમે
	મારા  ભાભી તમે  રહેજો  તમારા  ભારમાં

	વરઘેલાં   થોડાં
	વરઘેલાં   થોડાં  થોડાં   ઘરઘેલાં   ઝાઝા
	રાખીને   રહેજો  ભાભી  સાસરની   માજા
	રાખીને   રહેજો  ભાભી  સાસરની   માજા

	બહુ  શોભે  ન  ગળપણ  કંસારમાં
	બહુ  શોભે  ન  ગળપણ  કંસારમાં

	ઓ    ભાભી તમે
	મારા  ભાભી તમે  રહેજો  તમારા  ભારમાં

	ઓ    ભાભી તમે
	મારા  ભાભી તમે  રહેજો  તમારા  ભારમાં

	સ્વર: રાજકુમારી
	ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ
	ચિત્રપટઃ વરઘેલી (૧૯૪૯).
સૌજન્ય :માવજીભાઈ.com..

Posted in Uncategorized | Leave a comment

નાગરવેલીઓ રોપાવ

11 જુલાઈ

આજે ગુજરાતી રંગમંચને પોતાનાં રસમાં તરબોળ કરનારા રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટની પુણ્યતીથી છે. ‘વન્સમોર’, ‘વન્સ મોર’… તાળીયોના ગડગડાટ અને સીટીની ચીચીયારીઓ વચ્ચે પડી ગયેલો પડદો ફરીથી ઉચકાય. ગીતની સુરાવલી ફરીથી ગુંજી ઉઠે. એક વાર… અનેક વાર… ગુજરાતી રંગમંચના રસિયાઓને આ ઘટનાનું સ્મરણ જરૂર જ હશે. રંગભૂમી પર આ વન્સમોરની શૃંખલા રચનાર રસકવિ એટલે રઘુનાથ બ્રહ્મભટ્ટ

રસિકાના અધરને લાલચટક કેસૂડા જેવી રંગાવલીથી શોભાવતા નાગરવેલના પાન, પ્રણયફાગના એ પ્રતિકને રસકવિ બિરદાવે છે મુગ્ધમનના સપનાનું નિરૂપણ કરતી આ રચનાથી.
નાટક  – સમુદ્રગુપ્ત
કવિ – રઘુનાથ બ્રહ્મભટ્ટ
નાગરવેલીઓ રોપાવ, તારા રાજ મહેલોમાં,
રૂડાં માંડવડાં બંધાવ, તારા રાજ મહેલોમાં
આંબલિયાની ડાળે, રૂડા સરોવરની પાળે,
રાજા હીંચકે હીંચાવ, તારા રાજ મહેલોમાં.
ઠંડી હવા જો લાગે, અમને અંગ પીડાઓ જાગે
રૂડા વૈદડાં વસાવ, તારા રાજ મહેલોમાં
કોયલડી જ્યાં બોલે, કૂંણાં કાળજડાં કંઇ ડોલે,
રાજા બંસરી બજાવ, તારા રાજ મહેલોમાં
Posted in Uncategorized | Leave a comment

(૧) માસ્ટર ફૂલમણિ

મનોજ શાહ દિગ્દર્શિત નાટકોએક અભ્યાસ

(માસ્ટર ફૂલમણિ

જૂની ગુજરાતી રંગભૂમિનો માહૌલ, જૂની ગુજરાતી રંગભૂમિના ગીતો,ભાંગવાડી થિયેટર,દેશી નાટક સમાજ અને પુરુષ દ્વારા સ્ત્રીનો અભિનય અને આ બધા દ્વારા ઊભી થતી એક આધુનિક સંકુલતાનો અનુભવ કરવો હોય તો મનોજ શાહ દિગ્દર્શિત અને ચિરાગ વોરા, ઉત્કર્ષ મજુમદાર, પરાગ ઝવેરી અને મનોજ શાહ અભિનીત નાટક ‘માસ્ટર ફૂલમણિ’ જોવું રહ્યું.
રંગભૂમિ ઉપર દમદાર સ્ત્રી પાત્રોની ભૂમિકા ભજવવાની મહેચ્છા રાખતો મણિલાલ ફૂલમણિ તરીકે ઓળખાય છે અને સ્ત્રીની અદમ્ય ઝંખના એવી માતૃત્વની લાગણીને અનુભવવા માગે છે. જેનું થિયેટર બંધ પડ્યું છે એ ભાટિયા શેઠને ત્યાં એ રહે છે પણ સુમનલાલ સાથે લગ્ન કરે છે અને સુમનલાલ દ્વારા એને મહિના રહ્યા છે એવો અનુભવ કરે છે. સુમનલાલ પણ એને વનલતા માનીને ચાહે છે, અને સાચે જ પોતે પિતા બનવાનો છે એવા ભ્રમમાં રહે છે.આખરે, સુમનલાલના મિત્ર વસંતલાલ અને ભાટિયા શેઠ દ્વારા ભ્રમનું નિરસન થાય છે. સતત સ્ત્રીઓની ભૂમિકા ભજવતો મણિલાલ સ્ત્રૈણ ભાવ અનુભવે અને એ માતૃત્વની લાગણી સુધી પહોચે, આ આખી માનસિક-સંકુલ પ્રક્રિયા નાટકમાં હળવી રીતે સુપેરે ઉજાગર થાય છે.
ભૂપેન ખખ્ખરનાં ચિત્રોની મદદથી અને પડદાના ઉપયોગ દ્વારા સ્થળ-પરિવેશ બદલાતાં રહે છે પણ મૂળે તો ચારે કલાકારોના અભિનયથી જૂની રંગભૂમિનું વાતાવરણ જીવંત થાય છે એ આ નાટકનું મોટું જમા પાસું છે.’સાયબો, મારો ગુલાબનો છોડ’,’ઝટ જાઓ,ચંદન હાર લાવો’,મીઠા લાગ્યા રે મને આજના ઉજાગરા’ વગેરે વન્સમોર થાય એવા ગીતોની કલાકારો દ્વારા થતી જીવંત રજૂઆત આ નાટકનું વસ્તુ સંકુલ હોવા છતાં એનો ભાર વર્તાવા દેતું નથી.પોતાને સ્ત્રીનો અવતાર માનતો ફૂલમણિ પાણીનો ઘડો ભરીને આવે છે ત્યારે, સુમનલાલ દ્વારા મહિના રહ્યા છે ત્યારે, પોતે ગર્ભવતી છે એમ માનીને થતું એનું વર્તન-આ બધામાં સ્ત્રીનાં સ્ત્રૈણ અને નાજુક ભાવોને ચિરાગ વોરા આબેહૂબ રજૂ કરે છે.


જયશંકર સુંદરીએ સુંદરી બનીને જે તરખાટ મચાવ્યો હતો એવી તરખાટ મચાવવાની જિજીવિષા એની રહી છે અને તખ્તા ઉપર એ તરખાટ મચાવે પણ છે. સુમનલાલ તરીકે ઉત્કર્ષ મજૂમદાર આધેડ વયે પિતા બનવાનો આનંદ વ્યક્ત કરે છે એમાં એમના અભિનયની બધી જ તાસીર પ્રગટ થાય છે. વળી, પ્રેક્ષકો સાથે સીધો સંવાદ રચવામાં એમની ત્વરિત પ્રત્યાયનક્ષમતા પણ અદભૂત! નાટકના પ્રારંભે ચાહ વિશેનું ગીત અને ચાહની રાહ જોતો વસંતલાલ નાટકનાં અંતે પણ ચાહની રાહ જુએ છે, એની પ્રતીક્ષાનો અંત નથી. એકથી વધુ ભૂમિકા ભજવનાર મનોજ શાહ સંવાદોની અદાયગી દ્વારા આખા નાટકને ધબકતું રાખે છે.કમલેશ મોતાનું પ્રકાશ આયોજન દરેક ગીત અને પ્રસંગના ભાવજગતને તીવ્ર રીતે ઉપસાવી આપે છે. દા.ત.મીઠા લાગ્યા ઉજાગરા ગીત કે નાટકનું અંતિમ દૃશ્ય. ચારે અભિનેતાઓ ગીતો જે રીતે રજૂ કરે છે એ કાબિલેતારીફ છે. ટોટલ એકટર દ્વારા ટોટલ થિયેટર ઊભું કરતુ આ નાટક ગુજરાતી રંગભૂમિનું સીમાચિહન છે, એમ કહીએ તો અતિશયોક્તિ નથી.
(૨) અમરફળ 
રાજા ભર્તૃહરિની જાણીતી કથા પરથી રચાયું છે,અમરફળ. લેખક ભારત નાયક.સંબંધોમાં રહેલી સંકુલતા અને એક પછી થતાં વિશ્વાસભંગની કથા એટલે,અમરફળ. વિશ્વાસભંગને કારણે ભર્તૃહરિ વૈરાગ્યભાવ અનુભવે છે અને સંસાર ત્યાગવાનો નિર્ધાર કરી યોગી બનવા નીકળી પડે છે પણ નિયતિ એનો પીછો છોડતી નથી. જંગલમાં ચરપતિનાથ પાસેથી એને અમરફળ પાછું મળે છે. ભર્તૃહરિ અમરફળ ફેંકી દે છે. નિયતિ વૈરાગ્ય પછી પણ સુખેથી રહેવા દેતી નથી.બીજી બાજુ રાણી પિંગળા ભર્તૃહરિના વિરહમાં મહેલમાં રહીને જ વનવાસ વેઠે છે. ભર્તૃહરિ ભિક્ષા માગતો માગતો પિંગળા પાસે આવે છે અને પિંગળા ભિક્ષામાં પોતાનો પ્રાણ આપે છે, નાટક અહી પૂરું થાય છે.
પાતળા કથાવસ્તુ પર આધારિત આ નાટકનો પ્રથમ અંક એકદમ તીવ્ર ગતિએ ઘટનાપૂર્ણ બની રહે છે. વર્તમાન અને ભૂતકાળના દૃશ્યો અસરકારક સંગીત અને પ્રકાશ નિયોજનને કારણે પ્રભાવક રહ્યાં. એની સામે બીજો અંક વૈરાગ્યને કારણે ભિક્ષા માગતા રાજા ભર્તૃહરિથી સાધુ ભરથરી સુધીના પરિવર્તનનો હતો પણ એ પરિવર્તન એટલું પ્રભાવક બનતું નથી.વૈરાગ્યનો સ્વીકાર કરનાર ભર્તૃહરિ મનથી એ સ્વીકારી શકતો નથી અને એનામાં રહેલું રાજત્વ જતું નથી. ટૂંકમાં, ભર્તૃહરિમાંથી ભરથરી બનવાની આખી પ્રક્રિયા બીજા અંકમાંથી ઉજાગર થવી જોઈતી હતી એ એટલી અસરકારક રીતે થતી નથી.
નાટક ધર્મેન્દ્ર ગોહિલ,રીન્કુ પટેલ,મનોજ શાહ, વિમલ ઉપાધ્યાય વગેરેનાં અસરકારક અભિનયને કારણે પ્રેક્ષણીય બની રહે છે. એમાં સંગીત પણ દૃશ્યોની તીવ્રતા ઊભી કરવા મહત્ત્વનો ભાગ ભજવે છે. પ્રથમ અંકમાં મહેલનું સ્થળ અને બીજા અંકમાં જંગલ,ગુફા વગેરે સ્થળો સન્નિવેશની (સુભાષ આશર) સૂઝને કારણે ઊભાં થાય છે પણ વધારે તો મંચના કેન્દ્રમાં જ દૃશ્યો ભજવાય છે અને મંચનો પૂર્ણ ઉપયોગ થવો જોઈએ એ થતો નથી.
ભર્તૃહરિનું પિંગળાને અમરફળ આપવું,પિંગળાનું અશ્વપાલને અમરફળ આપવું,અશ્વપાલનું ગણિકાને અમરફળ આપવું અને ગણિકા પાસેથી ફરી ભર્તૃહરિ પાસે અમરફળ આવવું – આ ચક્ર વર્તમાન અને ભૂતકાળના દૃશ્યોની સંનિધિને કારણે અસરકારક રીતે ભજવાયાં.ભર્તૃહરિ પોતે પણ સ્વીકારે છે કે એ દૂધે ધોયેલો નથી અને પશ્ચાતાપ રૂપે વૈરાગ્યનો એને બોધ થાય છે, ત્યાં નાટક પૂરું થઇ જવું જોઈતું હતું, એવી પણ એક પ્રતીતિ થઇ હતી.
અસરકારક સંવાદો અને એની એટલી જ અસરકારક રજૂઆત પણ આ નાટકના જમા પક્ષે છે. ‘કામદેવ તો મરેલાને પણ મારે’ કે ‘પાણી કૂવામાંથી ભરીએ કે દરિયામાંથી ઘડામાં જગ્યા હોય એટલું જ ભરાય’ કે ‘કાયાને કાળનો ભય લાગે છે’- અર્થસભર સંવાદો પ્રેક્ષકો સુધી પહોચાડવામાં ધર્મેન્દ્ર ગોહિલનો અભિનય કારણભૂત છે.
ટૂંકમાં, પાતળું પોત ધરાવતું અને સંકુલ હોવા છતાં આ નાટક એની અસરકારક રજૂઆતને કારણે પ્રેક્ષણીય બની રહે છે.
(૩) અપૂર્વ અવસર 
ગાંધીજીએ જેમને પોતાના આધ્યાત્મિક ગુરુ તરીકે સ્વીકાર્યા હતા એ શ્રીમદ રાજચંદ્રનાં જીવન-કવન પર આધારિત નાટક હતું, ‘અપૂર્વ અવસર.’ ‘અપૂર્વ અવસર એવો ક્યારે આવશે’ શ્રીમદની કાવ્ય પંક્તિ પરથી આ શીર્ષક લીધું છે. રાજુ દવે અને મનોજ શાહે આ નાટકનું લેખન કર્યું છે.
આત્મજ્ઞાન દ્વારા આત્મકલ્યાણની ખોજ એ શ્રીમદની સમગ્ર જીવનશૈલીનું ચાલકબળ હતું. સાત વર્ષની ઉંમરથી એ શોધયાત્રા આરંભાઈ હતી. નાટકના સૂત્રધાર તરીકે પણ રાજચંદ્ર ભૂમિકા ભજવે છે. અહી ક્રિયા ઓછી અને વર્ણન વધારે છે. શ્રીમદ એક પછી એક પોતાના જીવનમાં બનેલી ઘટનાઓનું વર્ણન કર્યે જાય છે. એ વર્ણનમાંથી ક્યારેક ક્રિયા નીપજી આવે છે. પણ એવું બહુ ઓછું બને છે. રાજચંદ્રનું પોતાના વિષે થતું આત્મમંથન -આત્મચિંતન નાટકમાં સંભાષણ રૂપે વધારે આવે છે એથી નાટયરસ બહુ ઓછો પમાય છે.
નાટકમાં બહુ ઓછા બનાવો બનતા જોવા મળે છે પણ જે બને છે એ અસરકારક રીતે બને છે. રાજચંદ્રનું સુખની શોધમાં નીકળવું અને શ્રેષ્ઠીને ત્યાં આશરો લેવો, ગાંધીજી સાથેનો પ્રસંગ કે સેવકને બારી ખોલી આસપાસ ચાલતી નાટ્યલીલા અને એ દ્વારા બ્રહ્માંડલીલાના દર્શન કરાવવા, આનંદઘન અને હેમચંદ્રાચાર્ય સાથેનો પ્રસંગ, મુંબઈમાં શતાવધાનનો પ્રયોગ કરવો – આ બધા જ દૃશ્યો અસરકારક અભિનય અને પ્રકાશઆયોજનને કારણે પ્રમાણમાં અઘરી અને ચિંતનાત્મક લાગતી વાતો પણ સરળ અને નાટ્યાત્મક રીતે રજૂ થાય છે. શ્રીમદની ભૂમિકા ધર્મેન્દ્ર ગોહિલ ભજવે છે એ સિવાયની ગાંધીજી, અંબાલાલભાઈ, શ્રેષ્ઠી , સેવક, આનંદઘન, હેમચંદ્રાચાર્ય, વગેરે પાત્રો ભજવતા બે કલાકારો પણ સતત બદલાતી જતી ભૂમિકાઓને પણ યોગ્ય ન્યાય આપે છે. વિશાલ વૃક્ષની તળે બેઠા બેઠા રાજચંદ્ર પોતાની કથા કહે છે. અહી પણ મંચના કેન્દ્રમાં વૃક્ષ નીચે પાટ પર બેસીને કથા કહેવાને કારણે અને મોટા ભાગના સંવાદો બેસીને બોલવાને કારણે પણ મંચના વિવિધ ભાગોનો ઉપયોગ થઇ શકતો નથી.
સુરેશ જોશી અને ઉદય મજૂમદારના અવાજમાં રજૂ થતા પદો પણ આધ્યાત્મિક વાતાવરણ ઊભું કરવામાં મોટો ભાગ ભજવે છે. આત્મકલ્યાણની ખોજની યાત્રાને નાટકનો વિષય બનાવવો, પડકારજનક છે. એ પડકાર ઉપાડવા બદલ પણ આ ટીમ અભિનંદનની અધિકારી છે. સામાન્ય રીતે લાલ કે કેસરી – ભડક ગણાતા રંગોનો ઉપયોગ પ્રકાશ આયોજનમાં બહુ ઓછો કરવામાં આવે છે. પરંતુ ‘અમરફળ’ અને ‘અપૂર્વ અવસર’ આ બંને નાટકોમાં લાલ-કેસરી રંગના સંયોજન અને એમાં ક્યાંક લીલા રંગનો તો ક્યાંક ભૂરા રંગના” ઉપયોગ દ્વારા” દૃશ્યમાં રહેલી તીવ્રતા વધુ સારી રીતે ઉપસાવી હતી. પ્રકાશ આયોજન ‘અમરફળ’ અને ‘અપૂર્વ અવસર’ બંને નાટકોનું જમા પાસું છે.
(૪) મરીઝ 
ગુજરાતના ગાલિબ તરીકેનું બિરુદ જેમને મળ્યું છે એવા ગુજરાતી ગઝલનાં શિરમોર ગઝલકાર અબ્બાસ વાસી ‘મરીઝ’નાં જીવન-કવન પર આધારિત નાટક હતું,’મરીઝ.’ રઈશ મનીઆરના ‘મરીઝ:અસ્તિત્વ અને વ્યક્તિત્વ’ પુસ્તકને આધારે વિનીત શુક્લે નાટ્યલેખન કર્યું હતું.અસહ્ય દારુણ ગરીબી, પ્રિયતમા રબાબને ન મેળવી શક્યાનો રંજ, ભણતર પ્રત્યે અશ્રદ્ધા અને દારૂની ખરાબ લતને કારણે મરીઝને દર્દ સિવાય કશું મળતું નથી.નાટકમાં મરીઝના જીવનના એવા પ્રસંગો રજૂ થયા છે, કે જે આંખે ઝળઝળિયાં લાવી દે અને એમાંય ધર્મેન્દ્ર ગોહિલનો એટલો જ હૃદયસ્પર્શી અભિનય ભળે પછી પૂછવું જ શું?
બાળકો ઘરમાં ભૂખ્યા હોય તોય દારૂની લત છૂટતી નથી. મુંબઈમાં મોટાભાઈને આશરે રહેનાર મરીઝ પોતાની ગઝલો વેચીને ઘરનું ગાડું ગબડાવવાનો પ્રયત્ન કરે છે. પણ “મરીઝમાં કૈક એવું છે જે એને અન્યથી અલગ પાડે છે અને એટલે જ પત્ની સોના અને સંતાનો ભલે ભૂખે મરવું પડે પણ ગઝલ વેચવાની ના પાડે છે. આ દૃશ્યમાં રહેલી કરુણતા કોઈ પણ સંવેદનશીલ વ્યક્તિને ક્ષુબ્ધ કરી શકે છે. નાટકના અંતિમ દૃશ્યમાં ભ્રમણારૂપે રબાબ પાછી દેખાય છે એ દૃશ્ય પણ” શાયરના જીવનની વેદનાને તાદૃશ કરે છે.
બે દૃશ્યો વચ્ચેના બ્લેક આઉટ મધ્યે કબીર,રસખાન,અમીર ખુસરો,મીર તકી મીર,ગાલિબ વગેરેની પંક્તિઓ સંભળાય છે અને છેલ્લે મરીઝની પંક્તિઓ સંભળાય છે. કવિ તરીકે મરીઝની પ્રતિભા એમને આ કવિઓની પંક્તિમાં બેસાડે છે. બેગમ અખ્તરનાં કંઠે ગવાયેલ’મેં તજી તારી તમન્ના એનો આ અંજામ છે’ ગઝલનાં શબ્દો સંભળાતા રહે છે અને પડદો પડે છે. સઆદત હસન મંટોથી લઈને પીઠામાં દારૂ વેચનાર સદુભાઉ સહિત સૌ કોઈ મરીઝની પ્રતિભાને જાણે છે,વખાણે છે. એક દૃશ્યમાં ઇન્દ્ર પણ એની પ્રતિભાથી અંજાઈને એને મળવા આવે છે. મરીઝના દીકરાને આવેલા સ્વપ્ન રૂપે આ દૃશ્ય ભજવાય છે પણ આખરે આ બધી જ પ્રયુક્તિઓ મરીઝની શાયર તરીકેની પ્રતિભાને ઉજાગર કરે છે.
સુરતમાં અમીન આઝાદની સાઈકલની દુકાને બેસીને ગઝલનાં પાઠ શીખનાર મરીઝને નાટકના અંતે અમીન મળવા આવે છે અને પોતે ઉસ્તાદ હોવા છતાં મરીઝને શાયર તરીકે પોતાનાથી આગળ મૂકે છે ને કહે છે, મરીઝની ગઝલોને હવે ઇસ્લાહની જરૂર નથી. પીઠામાં મરીઝનું મૃત્યુ બતાવ્યું છે અને શાગિર્દને સાચી અંજલિ મદિરા પાનથી જ આપી શકાય એમ લાગતા પાક્કા નમાઝી અમીન મદિરા પાન કરે છે.
સુરત અને મુંબઈના જે તે વિસ્તારના વિશાળ ફોટોગ્રાફ્સ બેક ગ્રાઉન્ડમાં મૂકીને જે તે સ્થળનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે. પોતાની જાત પર અને ખુદા ઉપર સતત હસતો આ શાયર એવી સંવેદનશીલ ગઝલો આપે છે કે એ ચિરસ્મરણીય બની જાય છે. “વોરા ગુજરાતી અને સુરતી બોલીના મિશ્રણ જેવી ભાષા કલાકાર તરીકે ધર્મેન્દ્ર ગોહિલે” આત્મસાત કરી છે તો અન્ય કલાકારો પણ એ બોલીને સહજ રીતે પ્રગટ કરી શકે છે. તબીબને ત્રણ ત્રણ રૂપિયામાં ગઝલો વેચનાર આ શાયરનું સન્માન થાય છે ત્યારે જે રકમ આપવામાં આવે છે એ પણ એના સુધી પહોચતી નથી અને દુનિયાની રીત-રસમો માટે અવ્યવહારું શાયર ગરીબીને જ જીવન માની જીવ્યે જાય છે.
શાયર મરીઝને તખ્તા દ્વારા જીવંત કરવાનું સાહસ દિગ્દર્શક તરીકે મનોજ શાહ અને અભિનેતા તરીકે ધર્મેન્દ્ર ગોહિલે કર્યું છે અને એ સાહસ ગુજરાતી રંગભૂમિ માટે અને મરીઝપ્રેમીઓ માટે યાદગાર બની રહેશે.
(૫) જીતે હૈ શાન સે 
શિશિર રામાવત લિખિત હિન્દી નાટક હતું,’ જીતે હૈ શાન સે.’ સવા કલાકના આ નાટકમાં વાત પ્રાણીઓ પર થતાં અત્યાચારની હતી.ડૉ કલ્યાણકર પોતાની લેબોરેટરીમાં પ્રાણીઓ પર વિવિધ પ્રયોગો કરતા રહે છે. એમની લેબોરેટરીમાં સ્વીટી(કૂતરી), મોતી(કૂતરો),મંગલ(મુર્ગા),ભોંદુ(ડુક્કર), વાનર, સસલું અને ડૉ. રેટ(ઊંદર) રહે છે. ડૉ. રેટ આ બધામાં વરિષ્ઠ છે.એમનું કામ અન્ય પ્રાણીઓને પ્રયોગો માટે તૈયાર કરવાનું છે. આ પ્રયોગ દરમ્યાન પ્રાણીઓને કોઈ પણ પ્રકારનું નુકસાન થાય કે એમનો જીવ જાય તો પણ હસતાં મોંઢે સહન કરવાનું, કારણકે માણસોની સેવા કરવી એ જ આ પ્રાણીઓનો પરમધર્મ હોવો જોઈએ, એવું ડૉ.રેટ અન્ય પ્રાણીઓના મગજમાં ઠસાવે છે. મનુષ્યના સ્વાસ્થ્ય માટે આ પ્રાણીઓ પોતાનો જીવ પણ આપે છે ને એમાં જ એમના જીવવાની શાન રહેલી છે, જીતે હૈ શાન સે.
આ પ્રયોગો દરમ્યાન એક પછી એક પ્રાણીઓ પર અત્યાચાર થતાં રહે છે. મોતીને નપુંસક બનાવવામાં આવે છે, સ્વીટી ગર્ભવતી હોય છે તો પણ એના પર પ્રયોગો કરવામાં આવે છે, નિર્દોષ સસલાને ડામ આપવામાં આવે છે. એક પછી એક બધા ખતમ થતાં રહે છે અને છેલ્લે વારો આવે છે ડૉ.રેટનો. ડૉ.રેટ ઉંમરલાયક હોવા છતાં એમના ઉપર પણ જોખમી પ્રયોગ કરવામાં આવે છે.
ડૉ.કલ્યાણકર અને એમના બે સાથીઓને બાદ કરતા આખી પાત્રસૃષ્ટિ પ્રાણીસૃષ્ટિ છે. પ્રાણીઓ જેવી જ એમની બોડી લેન્ગવેજ અને ભાષાને કારણે બધા જ કલાકારોનો અભિનય પ્રશંસનીય રહ્યો હતો. એમાં પણ ડૉ.રેટ( ધર્મેન્દ્ર ગોહિલ), સ્વીટી(શ્રુતિ ઘોલપ),મંગલ મુર્ગા(નયન શુક્લા)નો અભિનય વધુ સરાહનીય હતો. મંચ પર પાંચ મોટા શ્વેત પડદાને ભૂરો,કેસરી,લાલ,ગુલાબી અને લીલા રંગના પ્રકાશ આયોજન દ્વારા આ પ્રાણીઓની કેબિન બનાવવામાં આવી હતી. કૃષ્ણ-કન્હૈયાનુ સંગીત પણ દૃશ્યોને અનુરૂપ હતું.
ડૉ.કલ્યાણકર મનુષ્ય સમાજના કલ્યાણાર્થે નિર્દોષ પ્રાણીઓ ઉપર પ્રયોગો કરતા રહે છે અને મનુષ્ય સમાજ માટે જીવવામાં જ શાન રહેલી છે એમ માનીને આ પ્રાણીઓ જીવ્યે-મર્યે જાય છે. સમગ્ર મનુષ્ય સમાજ ઉપર અહીં તીવ્ર કટાક્ષ કરવામાં આવ્યો છે.પોતાના સ્વાર્થ ખાતર મનુષ્ય આ પ્રાણીઓ પર અખતરા કરે છે અને બુદ્ધિશાળી પ્રાણી હોવાનું ગૌરવ અનુભવે છે પણ આ પ્રાણીઓ જ્યારે બળવો કરશે ત્યારે? પોતાને સંવેદનશીલ ગણાતા મનુષ્યે આ પણ વિચારવું રહ્યું.
અમદાવાદના જયશંકર સુંદરી હોલમાં શતાયુ થિયેટર ફેસ્ટિવલ(૨૧-૨૫ માર્ચ,૨૦૧૧) દરમ્યાન મનોજ શાહ દિગ્દર્શિત પાંચ નાટકોએ જલસાનો અનુભવ કરાવ્યો. કઈ સ્થિતિમાં આ ફેસ્ટિવલ થયો એની ચર્ચા ન કરતા મનોજ શાહની ટીમે આ ફેસ્ટિવલ કર્યો એ રંગભૂમિની એક યાદગાર ઘટના ગણાવી જોઈએ. એક બીજાથી જુદા વિષયને સ્પર્શતા એક બીજાથી જુદી રજૂઆતને કારણે દિગ્દર્શક મનોજ શાહના વ્યાપ અને ઊંડાણનો પણ ખ્યાલ આવે છે તો પહેલા નાટકને બાદ કરતા ધર્મેન્દ્ર ગોહિલનો-ભર્તૃહરિ, શ્રીમદ રાજચંદ્ર, મરીઝ અને ડૉ.રેટ તરીકેની વિવિધ ભૂમિકાને કારણે એમની અભિનયક્ષમતાનો પણ સુપેરે પરિચય થાય છે. ગુજરાતી રંગભૂમિ પાસે મનોજ શાહ અને ધર્મેન્દ્ર ગોહિલ છે, એ એક ઊજળી બાબત છે. ‘ ઊંચા માયલો પરોગરામ’શીર્ષક હેઠળ આ પાંચ નાટકોની રજૂઆત થઇ હતી. આ રજૂઆત પછી ખરેખર કહેવું પડે કે ‘ ઊંચા માયલો પરોગરામ.’

ધ્વનિલ પારેખ
૪૨ આનંદનગર સોસા. સેક્ટર-૨૭, ગાંધીનગર ૩૮૨૦૨૭ મો.-૯૪૨૬૨૮૬૨૬૧
મ.દે.ગ્રામસેવા મહાવિદ્યાલય, સાદરા, ગાંધીનગર, 382320

Posted in Uncategorized | Leave a comment

જૂની ભાંગવાડી -નાટ્ય ચૌપાલ

મિત્રો ઘણી વાતો તમે કદાચ જણતા પણ નહિ હો ..તેવી વાતો આપ અહી સાંભળશો ત્યારે આપના ગુજરાતી નાટકો માટે ગૌરવ અનુભવશો .. નોસ્ટાલ્જિક અનુભવને સમૃદ્ધ બનાવતી આ વિડીયો કલીપ જોવા જેવી છે .

નાટકોનો  પ્રાચીન ઇતિહાસ કદાચ તમે વાચવાની કોશિશ પણ નહિ કરો પણ આ વિડીયો જોયા પછી તમે જરૂર નાટક નો ઈતિહાસ શોધશો..

આપણી જનરેશન માટે આવી સુંદર રજૂઆત  માટે મનોજભાઈ અને ઉત્કર્ષભાઈનો આભાર.
નાટ્ય ચૌપાલ ચાલુ રાખો…

https://youtu.be/hDjUDZjfQUo

Posted in Uncategorized | Leave a comment