ગુજરાતી નાટ્યભૂમિ અને નાટ્ય-સાહિત્યના ક્ષેત્રે અદકેરું પ્રદાન કરનારા અને
તેમના કિરદારના કારણે રંગલો’ તરીકે લોકપ્રિય થયેલા જયંતિ કાલિદાસ પટેલ
“જ્યારે વ્યક્તિ જૂઠની ચાદર ઓઢીને સૂતો હોય ત્યારે જિંદગી વધારે આરામદાયક અને શાંતિપૂર્ણ હોય છે.”
અને
“હું જ ખોવાઈ ગયો છું ,મેં રચી માયા મહીં,
ને હું ને હું જડતો નથી ,મેં રચી માયા મહીં”
આ ડાયલોગ અને કવિતાના શબ્દો છે સ્વ ડો. જયંતિ પટેલના ના લખેલ “મારા અસત્યનાં
પ્રયોગો”નાટકના.ક્યારેય નહી વિસરાય “રંગલો” ના હુલામણા નામથી જાણીતા શ્રી જયંતિ પટેલ.
સદાય હસતો અને હસાવતો એ ચહેરો મારી નજર સામેથી ઓઝલ થવાનું નામ નથી લેતો.એમની વિદાય નથી થઈ એમનો રંગમંચ અત્યારે બદલાયો છે ઈન્દ્રપુરીમાં. દેવો પણ અત્યારે “અસત્યના પ્રયોગો” જોઈ હસતા હશે.
યુવાવસ્થાથી જ નાટકનાં રંગે રંગાયેલ જયંતિ પટેલનો જન્મ અમદાવાદમાં ર૪ મી મેં ૧૯૨૫માં થયો હતો પરંતુ તેમની કર્મભૂમિ હમેશાં મુંબઈ રહી હતી.પિતા કાલિદાસ તેમને ખૂબ નાની વયમાં છોડી ગયા હોવાથી માતા જશીબેને જ તેમને મામાના ઘેર જ ઉછેરેલા.તેમના મામા એટલે તે વખતના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ અંબાલાલ તક્તાવાલા.૧૯૪૨ની સ્વાતંત્ર્ય ચળવળમાં ગોળીબારમાં તે પગે ઘવાયા અને બે વર્ષ પથારીમાં રહ્યા.૧૯૪૮માં ગુજરાત કોલેજમાંથી બી.એ થયા. તેમના લગ્ન શારદાબેન સાથે થયા જે વ્યવસાયે પ્રાથમિક શાળાના મોન્ટેસરી ટ્રેઈન ટીચર હતા.તેમને ત્રણ બાળકો નિવેદિતા,વર્ષા અને નિલેશ છે. મુંબઈમાં તેમણે નાટકની સાથોસાથ કેમિકલ અને મિનરલ્સનો વેપાર કર્યો.અખંડ આનંદમાં
‘રંગલાની રામલીલા’ ના શિર્ષક હેઠળ તેમના નાટક અંગેના લેખો છપાતા.૨૦૧૩માં તેમને સાહિત્ય અકાદમી તરફથી”રંગલાની રામલીલા” માટે દ્વિતીય પારિતોષક પણ મળ્યું હતું.તેમણે ફિલ્મ ઉદ્યોગ ક્ષેત્રે પણ તેમનો હાથ અજમાવ્યો હતો.
૧૯૬૭માં પુલિત્ઝર ઇનામ વિજેતા નાટકનું ગુજરાતી રુપાંતર કરવા માટે જે.એફ.કે સ્કોલરશીપ હેઠળ ન્યુયોર્ક આવ્યા.૧૯૭૬માં ફરી તેમને ‘ઓલ્ટ્રેનેટીવ થિએટર’ની સ્કોલરશીપ મળી અને પછી લગભગ ર૫ વર્ષ અમેરિકા રહ્યા.તે દરમ્યાન જ ૧૯૮૧માં “નાટ્યયોગ “પર પી.એચ.ડી. કર્યું અને ડો. જયંતિ પટેલની ઉપાધિ પ્રાપ્ત કરી.૧૯૮૨માં સ્વામી બ્રહ્માનંદ સરસ્વતીના ન્યુયોર્ક મનરો ખાતેના આનંદઆશ્રમમાં જોડાયા.
ગુજરાતી રંગભૂમિના ક્ષેત્રે અભિનેતા,કાર્ટૂનિસ્ટઅને લેખક -દિર્ગદર્શક તરીકે પ્રતિષ્ઠા પામેલ જયંતિ પટેલ એટલે “રંગલો” એ આ દુન્યવી રંગભૂમિને અલવિદા કરી દીધી. ૨૬ મેં ના રોજ ડો. જયંતિ પટેલ ઉર્ફ અભિનયાનંદજીએ તેમનાે અભિનય દુનિયા પરથી સંકેલી લીધો.સ્વ જયંતિ પટેલે હાસ્ય અભિનેતા અને હ્યુમરિસ્ટ રાઈટર તરીકે ગુજરાતી રંગભૂમિના ક્ષેત્રે આગવું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ગુજરાતી નાટકોના ઇતિહાસમાં તેમનું માતબર પ્રદાન છે.ઓલ-ઈન્ડીયા રેડિયો પર તેમણે કેરેક્ટર રંગલો ઘણા સમય સુધી ભજવ્યું હતું. કાર્ટુનમાં રસ હોવાથી તેમણે બંસીલાલ વર્મા ‘ ચકોર’ ના કાર્ટુન
અંગે પણ પુસ્તક તૈયાર કરેલ. તેમણે ભવાઈના સ્વરુપ પર સંશોધન કરી તેને આધુનિક સ્વરુપ આપ્યું.તેમાં સૂત્રધાર “રંગલો” નું પાત્ર ભજવી દેશવિદેશમાં ખૂબ લોકચાહના મેળવી.
“મારા અસત્યનાં પ્રયોગો “ તેમનું ખૂબ પ્રચલિત નાટક હતું. તેમણે રંગીલો રાજા,આ મુંબઈનો માળો,સરવાળે બાદબાકી,નેતા અભિનેતા,સપનાના સાથી,મસ્તરામ,સુણ બે ગાફેલ બંદા જેવા નાટકો લખ્યા અને ભજવ્યા.હું ગાંધી અને ચાર્લી ચેપ્લીન જેવું વિવેચન પુસ્તક લખ્યું.તે ચાર્લી ચેપ્લીનનાં ઘેર પણ રહી આવ્યા હતા.તેઓ ખૂબ ઊંચા ગજાના કાર્ટુનિસ્ટ હતા.ભવાઈ અને કાર્ટુનની કથા તેમના પરિચય – પુસ્તક હતા.અમેરિકામાં પચ્ચીસ વર્ષ રહીને અહીં પણ તેમણે નાટ્યપ્રવૃત્તિ કરી હતી.ત્યારબાદ જીવનના પાછલા વર્ષો તેમણે ભારતમાં રહી પસાર કર્યા. તેમની ખોટ ગુજરાતી રંગભૂમિને હમેશાં સાલશે.
જીગીષા પટેલ
(તસ્વીર- સુરેશભાઈ જાની બ્લોગ -આભાર )