ગુજરાતની ધરોહર – ભવાઈ

 

૧લી મે, ૧૯૬૦ ગુજરાતનો જન્મદિવસ છે. એ નિમિત્તે, આજે ૧૪મી મે, ૨૦૧૭ને દિન, આપણે સહુ, મીલપીટસ, કેલિફોર્નિયામાં ગુજરાત દિન ઉજવી રહ્યા છીએ. આપણે સહુ ગુજરાતીઓ સાથે મળી, ગુજરાતથી-વતનથી હજારો માઈલ દૂર રહી ગુજરાતના કલા વારસાનું જતન કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ સાચે જ દર્શાવે છે કે ગુજરાતી તરીકે આપણી ધરોહરનો પરિચય આજની અને આવનારી પેઢીને કરાવવા માટે પ્રજા તરીકે આપણે સજાગ થતાં જઈએ છીએ, એ આપણું ઉજળું પાસું છે. એ સાથે જ, ગળામાં વતનથી દૂર હોવાનો ડૂમો પણ ભરાઈ આવે છે અને ગુજરાતી હોવાનું ગૌરવ પણ મનમાં છલકાય છે.

સિંધુ ખીણ સંસ્કૃતિના પુરાતન અવશેષોથી માંડી મહાભારતના કાળથી લઈ ને, ગુજરાત એક સળંગ ઈતિહાસ ધરાવે છે. મને વિચાર આવે છે કે આટલો વિરાટ કાળપ્રવાહ ઝીલનારા આ પ્રદેશનો વારસો કેટલો અદભૂત હશે? આ વારસાનું ફલક પણ કેટલું વિશાળ છે! આ ધરોહરની ફલક આવરી લે છે, ભાષા, સાહિત્ય, સંગીત, નૃત્ય, તહેવારો કે ઉત્સવો ને મેળાઓ, ભોજનકળા, કાળને અનુરુપ સામાજિક ને કૌટુંબિક મૂલ્યોને સાચવતા રીત-રિવાજો, પ્રાદેશિક સ્થાપત્ય, જનસમાજની રહેણી, નદીઓ, પર્વતો અને વિજ્ઞાનને આવરી લેતા ધાર્મિક મૂલ્યો! આવી અમૂલ્ય ધરોહરનું – Legacy કે Heritage –નું, અને એના દરેક ઐતિહાસિક પાસાઓનું જતન ગુજરાતથી બહાર રહીને કરવું કે કરાવવું એ ખરેખર અતિશય કપરું છે. આ કામ કરવાનું બીડું ઝડપનાર તથા આજના બે અરિયાના સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરનાર અને એની સાથે સંકળાયેલા સર્વ કાર્યકર્તાઓ ને કલાકારોને હું આ અદભૂત કાર્ય કરવા માટે હ્રદયપૂર્વક ધન્યવાદ આપી એમનું અભિવાદન કરું છું.      

ભવાઈ દ્વારા લોકસાહિત્ય, સંગીત ને વૈવધ્ય ધરાવતા નૃત્યોની રજુઆત કરીને આપાણા ગુજરાતની અનોખી મિરાતની ઝાંખી કરાવવાનો અને ઉજવવાનો આ અવસર સાચે જ અણમોલ છે. ભવાઈની વ્યુત્પતિ અંબામાની ભક્તિ અને નારીશક્તિનો મહિમા કરવાના આશયથી થઈ હતી. ચૌદમી સદીમાં ગુજરાતના કાઠિયાવાડમાં પ્રચલિત નાટયપ્રકારોમાંથી પ્રેરણા મેળવી સિધ્ધપુરના ઔદિચ્ય બ્રાહ્મણકુળમાં જન્મેલા કવિકથાકાર અસાઇત ઠાકરે એક નવા નાટયપ્રકારભવાઇનું સર્જન કર્યું હતું. ભવાઇનું પોત ગદ્ય, પદ્ય, વિવિધ સ્થાનિક વાદ્યો, ગેયતા, નૃત્યો અને અભિનય કળાથી શોભે છે. આજે આપણા સહુ માટે આ અવસર મહત્વનો છે કારણ કે આ ભવાઈનું સર્જન આજના સાંપ્રતકાળમાં, વતનથી એક અરસાથી દૂર રહેતા પૂ. સ્વ. મેઘલતાબેન મહેતાએ કર્યું છે, એટલું જ નહીં, આ સર્જનને સંગીત અને નૃત્યથી આપણા, પોતાના લાડીલા સ્થાનિક કલાકારોએ મઢ્યું છે. સિનેમા, ટીવી, રેડિયો જેવાં સાધનો હતાં તે યુગમાં વિભિન્ન ભવાઈના વેશોના વૈવિધ્ય દ્વારા લોકોને જ્ઞાન, શિક્ષણ અને મનોરંજન પૂરાં પાડવામાં આવતાં.  ભવાઇ લોકજીવનના તાણાવાણા સાથે વણાઇ ગઇ હતી. કેટલાક સાહિત્ય વિશારદો અને સંશોધકોએ ભવાઇનેભાવપ્રધાન નાટકોકહ્યાં છે. ભૂલાઈ ગયેલી, વિસ્મૃત થતી જતી આ ભવાઈને અહીં રજુ કરવાના આ ભગીરથ કાર્ય માટે હું “બેઠક”ને તથા સહુ સ્થાનિક કલાકારોને હાર્દિક અભિનંદન આપું છું. ગુજરાત દિન નિમિત્તે ભવાઈને આપણા સમક્ષ લાવીને, આ બધાએ આપણને સહુને ગૌરવાન્વિત કર્યા છે. એક સાથે આટલી બધી લલિત કળાઓનો સંગમ ભવાઈ સિવાય બીજા કોઈ મનોરંજનના પ્રકારોમાં વિશ્વભરમાં નથી. આજે એક જ વિચાર આવે છે કે ભારતના એક રાજ્યમાં સંસ્કૃતિનો આટલો ખજાનો છે તો દસ હજાર વરસ જૂના, આપણા સમસ્ત દેશ, ભારતની ધરોહર કેટલી મહાન હશે! તો, આપણને આજે માત્ર ગુજરાતી તરીકે જ નહીં પણ એક ભારતીય ગુજરાતી હોવાનું ગૌરવ પણ આ ગુજરાત દિનની ઉજવણીએ કરાવ્યું છે. જય જય ગુજરાત. જયહિંદ.

  • જયશ્રી વિનુ મરચંટ, એપ્રિલ ૨૨, ૨૦૧૭

 

           

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ http://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s