તાળીઓના ગડગડાટ સાથે વન્સમોર…વન્સમોર……નો નાદ જ્યારે સભાગૄહમાંથી ઊઠે ,સ્ટેજ પર ભજવાતું નાટક હોય કે ગીત-સંગીત , એને માણનાર રસિક શ્રોતાગણ જ્યારે ફરી ફરીને એની જ રજૂઆત કરવાનો આગ્રહ રાખે ત્યારે એ કવિ, ગીતકાર, ગાયક કે નાટ્યકારને કેવી અનુભૂતિ થતી હશે? આવી અનુભૂતિ કરનાર રસકવિ શ્રી રઘુનાથ બ્રહ્મભટ્ટ અત્યારે તો આપણી વચ્ચે હયાત નથી પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે આજે પણ ગુજરાતી રંગભૂમિ રઘુનાથ બ્રહ્મભટ્ટને “ વન્સમોર”ની શૃંખલા રચનાર ગીતકાર તરીકે હંમેશ યાદ રાખશે.
એક પછી એક એવી ઉત્તમ કાવ્યો-ગીતો અને નાટકોના રચયિતા હોવા છતાં પણ સૌ લોકો તો એમને રસકવિથી વધુ જાણે એનું કારણ એ કે જ્યારે એ ગાય.. “નાગરવેલીઓ રોપાવ તારા રાજમહેલમાં” ત્યારે ભલે નાગરવેલીઓ રોપાઇ હોય રાજમહેલમાં પણ એને મહેંક તો ચારેબાજુ પ્રસરી હોય. રસકવિ નાગરવેલીઓ રોપાવે કે “સાહ્યબાને ગુલાબનો છોડ” કહે રસીલી નારીઓ લવંગ કેરી વેલ થવા તૈયાર…તેમના ગીતો લોકગીત હોય એવી અને એટલી ખ્યાતિ પામ્યા છે અને ગરવી ગુજરાતણોએ એને હોંશે હોંશે વધાવ્યા છે. કવિએ એમની રચનાઓ શૃંગારરસથી ભલે શણગારી હોય પરંતુ એમાં ક્યાંય સુરુચિભંગ થયાનો અણસાર સુધ્ધા નહોતો.
ભલે એ રસકવિ તરીકે ખ્યાતિ પામ્યા પણ શ્રી રઘુનાથ બ્રહ્મભટ્ટે નાટકો પણ લખ્યા અને પૌરાણિક કથાબીજવાળા એમના નાટકો સફળતાને વર્યા અને નાટકો પણ પાછા કેવા ? કવિતાપ્રધાન. તેમના નાટકો ગીતોના લીધે વધુ યશને વર્યા. એમનું આ યોગદાન ગુજરાતી રંગભૂમિ માટે ચિરંતન સંભારણું બની ગયું. બુદ્ધદેવ, શૃંગીઋષિ, અજાતશત્રુ, ભાવિપ્રાબલ્ય, અશોક, સરસ્વતીચંદ્ર, અનારકલી,સ્નેહમુદ્રા, પ્રેમવિજય, કલ્યાણરાજ, સૂર્યકુમારી, ઉષાકુમારી, નવીન યુગ, લક્ષ્મીનારાયણ જેવા નાટકો આપ્યા. કવિ શ્રી હરિન્દ્ર દવે કહે છે કે કવિ રઘુનાથ બ્રહ્મભટ્ટે રંગભૂમિને ‘અતોનાત’ પ્રેમ કર્યો છે. આ શબ્દનો ઉલ્લેખ જેમના માટે થયો હોય એવા નાટ્યકારનો રંગભૂમિ પ્રત્યેનો પ્રેમ કેવો હોઇ શકે એ આ ‘અતોનાત’ શબ્દપ્રયોગથી જ પરખાઇ નથી આવતું?
કવિતાઓ અને નાટકોની સાથે એમણે નવલકથા “યશોધર્મા” પણ લખી. તો પછી એમની આત્મકથા “સ્મરણમંજરી”ને કેમ વિસરાય? ‘ સ્મરણમંજરી’માં ગુજરાતી રંગભૂમિના ૩૦ વર્ષો દરમ્યાનનો એમના સ્મૃતિવારસાનો અમૂલ્ય ખજાનો સચવાયો છે. લગભગ ૧૯૧૦થી ૧૯૪૦ના સમયની ગુજરાતી રંગભૂમિ વિશે ‘ સ્મરણમંજરી’માં કરેલો ઉલ્લેખ કદાચ રંગભૂમિ પર રિસર્ચ કરવા ઇચ્છુક માટે અત્યંત મહત્વના દસ્તાવેજ સમો બની રહે.
આજે જ્યારે જૂની રંગભૂમિને યાદ કરીએ ત્યારે આ નિરાભિમાની નાટ્યકાર યાદ આવ્યા વગર રહે ખરા? કદાચ ક્યાંક એમનો આત્મા ગુજરાતી રંગભૂમિના તખ્તાને, એના પર નાટકો ભજવતા કલાકારો અને ગુજરાતી અસ્મિતા જાળવતા હર એક ગુજરાતીને અમી નજરે પોંખતો હોય તો નવાઇ નહીં.
રાજુલ કૌશિક
સૌજન્ય શ્રી સુરેશભાઇ જાની.