પ્રભુલાલ દયારામ દ્વિવેદીનું

એક સરખા સુખ ના દિવસો કોઈના જાતાં નથી

નાટક એટલે કવિ પ્રભુલાલ અને કવિ પ્રભુલાલ એટલે નાટક.

હૃદયના શુઘ્ધ પ્રેમીને નિગમનાં

જ્ઞાન ઓછાં છે....

હૃદય સ્પર્શીગીતો લખીને રંગદેવતાને રીઝવનાર કવિ અને નાટયકાર પ્રભુલાલ દયારામ દ્વિવેદીનું વતન જલારામ બાપાનું વીરપુર. પિતા દયારામ તત્વજ્ઞાનના જ્ઞાતા. કાવ્ય સાહિત્ય અનુરુચિ ગ્રંથના કર્તા ઉપરાંત સાહિત્યના ઊંડા અભ્યાસી. પિતાનો સાહિત્ય વારસો શૈશવથી સાંપડયો. કલ્પનાનાં બીજ રોપાયાં. તે સમયમાં વીરપુરમાં શાળાની સુવિધા નહોતી તેથી પગપાળા જેતપુરની નિશાળમાં જવા આવવાનું થતું.

કરાંચી જવાનું થયું. ત્યાં મેકેનીકલ ઇજનેરનો ત્રણ વર્ષનો અભ્યાસ પૂરો કર્યો. એક ઇજનેર તરીકેની કારકિર્દીનો આરંભ કર્યો. તેમની પ્રકૃતિને તે કામ સાથે મેળ ન બેસે. તકદીરે જેના કપાળમાં કલમ દ્વારા કીર્તિવંત બનાવવાની ટાંક મારી હતી તેનાથી હથોડો પકડી શકાયો નહીં. આ સમયે તેઓની ઉંમર ઓગણીસ વર્ષની હતી અને કલ્પનાની કુંપળ ફૂટુ ફૂટુ થઇ રહી હતી. ભાગ્ય દેવી તેને રંગભૂમિને દ્વારે દોરી ગઈ.

કરાંચીમાં મોતીરામ બેચર નંદવાણાની આ નીતિ દર્શક નાટક મંડળી કાર્યરત હતી. તેમાં તેઓ જોડાયા.

એકવીસ વર્ષની વયે તેમના પગરણનું પ્રથમ પાનું ઉઘડયું તે બે વર્ષ સુધી રંગભૂમિનાં તમામ પાસાંનો તલસ્પર્શી અનુભવ અને અભ્યાસ કર્યો. રંગભૂમિમાં પોતે શું પ્રદાન કરી શકે તેનું જ્ઞાન મેળવી લીઘું. તે દરમિયાન કંપનીના માલિક મોતીરામભાઈનું નિધન થયું.

ત્યાં રહીને પ્રભુલાલભાઈએ મહાભારતના કથાવસ્તુ પર આધારિત ‘વત્સલા’ નાટકકૃતિનું સર્જન કરી તખ્તાને અર્પણ કરી. તેમણે પૌરાણિક નાટક દ્વારા રંગમંચ પર પ્રવેશ કર્યો હતો.

થોડા વખત પછી આંતરિક વિખવાદને કારણે કંપની બંધ પડી. ઇ.સ. ૧૯૧૭ ના વર્ષમાં વખણાયેલા દિગ્દર્શક અને અભિનેતા પ્રાણસુખ એડીપોલોએ ‘આર્યનાટ્ય સમાજ’ નામે નાટ્ય સંસ્થાની રચના કરી તે દ્વારા પ્રભુલાલભાઇની નાટ્યકૃતિ ‘વત્સલા’માં ફેરફારો કરી ‘માયાવી વીર’ નામે તખ્તા પર રજૂ થઇ. ઉપરના વર્ષમાં વાડીલાલ શાહે સરસ્વતી નાટક સમાજની સ્થાપના કરી. તેમણે પણ પૌરાણિક કથાવસ્તુ પ્રેરિત પ્રભુલાલભાઇ લેખિત નાટક ‘દાનવ મોહિની’ રંગમંચ પર રજુ કર્યું.

ઉક્ત સંસ્થા પણ કેટલાંક કારણોને લીધે અલ્પજીવી નિવડી. આ સમયમાં લક્ષ્મીકાંત નાટક સમાજનો જન્મ થયો તે સાથે જ કંપનીના માલિકે પ્રભુલાલ દ્વિવેદીને નાટ્યકાર તરીકે કંપનીમાં જોડાવાનું નોતરૂં આપ્યું.

અહિં તેમણે પૌરાણિક કથાનકને પડતું મૂકી ઐતિહાસિક કથાવસ્તુને પકડી કલમ ચલાવી. તેમાંથી ‘વીરકુણાલ’નું સુપેરે સર્જન થયું જે પ્રેક્ષકોએ પ્રેમથી વધાવ્યું ને તે સાથે દ્વિવેદીની કીર્તિનું પ્રથમ કિરણ ફૂટયું.

પ્રેક્ષકોની પસંદગી પારખીને તેમણે જગદ્ગુરૂ શંકરાચાર્યના જીવન અને કથનની ઝાંખી કરાવતું નાટક ‘શંકરાચાર્ય’ લખ્યું. પરિણામે એક સફળ નાટક સાંપડયું. કવિની કલમે અનોખો ચમત્કાર સજર્યો ! નાટ્ય શોખીનોએ નાટ્ય પ્રયોગને પ્રશંસાનાં પુષ્પોથી વધાવ્યો. એક વર્ષની સફળતા પ્રાપ્ત કરી લક્ષ્મીકાન્તના સંચાલકો કંપનીને મુંબઇ લઇ ગયા. ત્યાં ‘વીર કુણાલ’ અને ‘શંકરાચાર્ય’ ભજવ્યા. મુંબઇની જનતાએ બંને નાટકોને અતિ ઉત્સાહભેર આવકાર્યા.

મૂળચંદ મામાએ તેમની કંપની માટે એક નાટક માંગ્યું ને કવિએ ‘અહલ્યા બાઈ’ લખી આપ્યું. લક્ષ્મીકાંત માટે નવું નાટક ‘કુમારપાળ’ લખ્યું, ભજવાયું, પણ સફળ ન નિવડયું.

નિષ્ફળતાએ નિરાશા ન આપી પણ કલ્પનાની પાંખોને વ્યાપક બનાવી. તેમણે કલમને બરાબર કસી સામાજીક નાટયકૃતિ સર્જી, જે ‘અરૂણોદય’ના નામે રંગમંચ પર ભજવાઈ. નાટકને અભૂતપૂર્વ સફળતા સાંપડી. કવિની કલમનો કીર્તિ કળશ ઝળહળવા માંડયો. ‘અરૂણોદય’માં પ્રભુલાલભાઈએ ભારતમાં ચાલતા અસહકાર આંદોલનના ભાવોને ઝીલ્યા હતા. જનતાનો જુવાળ (બાયકોટ) અસહકારના સૂત્રને ઝીલીને જંગે ઝઝૂમતો હતો.

‘અરૂણોદય’નો તખ્તા પર ૧૦૦ વખત રાત્રે ઉદય થયો. પ્રત્યેક પ્રેક્ષકના ચિત્તમાં પ્રભુલાલભાઈ છવાઈ ગયા.

નાટક અને કવિતામાં તેમની કલમ સમાન્તર ચાલતી હતી. સંવાદો ચોંટદાર હતા. તેનાં ગીતોના શબ્દો પણ એટલા જ ધારદાર. એ પછી ૧૯૨૩ ના વર્ષમાં તેમણે ‘સત્ય પ્રકાશ’ સામાજીક નાટકનું સર્જન કર્યું.

પુનઃ તેમણે ઐતિહાસિક કથા પર કલમનો કસબ અજમાવ્યો. તેમાંથી નિર્માણ પામ્યું ‘માલવપતિ મુંજ’. આ નાટકે પ્રભુલાલભાઈની ઉજ્જવળ કારકિર્દીમાં અનેક ગણો વધારો કરી દીધો. જનતાને આ નાટકે અજબ મોહિની લગાડી. તે પણ એક્સો પ્રયોગોને પણ વળોટી ગયો. એ સમય આવીને ઉભો રહી ગયો કે નાટક એટલે કવિ પ્રભુલાલ અને કવિ પ્રભુલાલ એટલે નાટક.

તેમની કલમમાંથી ઐતિહાસિક નાટય કૃતિઓ કંડારાતી રહી. જોનારા તેને ઉમળકાભેર આવકારતા રહ્યા. ‘પૃથ્વીરાજ ચૌહાણ’નું સર્જન કર્યું તે પણ સફળ રહ્યું. ત્યાર પછી બંગાળ બશરના નવાબ ‘સીરાઝ-ઉદ-દઉલા’ની ભેટ ધરી પૂનઃ પ્રભુલાલભાઈએ સામાજીક સમસ્યાને મૂર્તિમંત કરવા કલમ ચલાવી, તેમાંથી ‘સંસાર સાગર’ નીપજયું. વળી પાછાં કવિએ ઇતિહાસનાં પૃષ્ઠો ઉથલાવ્યાં ને ‘શાલીવાહન’ લખાયું, જે નાટકે કવિની કીર્તિમાં ઉમેરો કર્યો. ‘શાલીવાહન’ ની વાહ વાહ સર્વત્ર વિસ્તરી રહી. જનતાના હોઠે શાલીવાહન નિરંતર રમતું રહ્યું. વ્યાપક લોકપ્રિયતાના કારણે હિન્દી રંગભૂમિનું પણ ઘ્યાન દોરાયું. ‘સીતા વનવાસ’ વગેરે રજૂ કરી લોકચાહના પ્રાપ્ત કરનાર માદન થીએટર્સની પારસી નાટક મંડળી ૧૯૩૦ના વર્ષમાં ગુજરાતના પ્રવાસે નીકળી હતી ત્યારે તેમણે ગુજરાતી ‘શાલીવાહન’ નાટકમાં નામનો ફેરફાર કરી ભજવ્યું હતું. અહિં આપણને કવિની કલમના જાદુની જાણકારી આપોઆપ મળી જાય છે.

‘શાલીવાહન’ નાટકે કવિને અવિચળ કીર્તિના અધિકારી બનાવી દીધા.

આ સમયમાં આર્ય નૈતિકના માલીક નકુભાઈ શાહે નવું નાટક લખવાની ફરમાઇશ કરી. કવિએ તેનો સ્વીકાર કરીને સામાજીક નાટ્ય કૃતિનું કુશળતા પૂર્વક સર્જન કર્યું તે ‘એક અબળા’.

ઉપરોકત નાટક સદાને માટે લોક હૃદયમાં રમી રહ્યું. તેની પણ સદી ઉજવાઈ. આમ પ્રભુલાલભાઈનાં ત્રણ નાટકો સો નાઇટો ને આસાનીથી આંબી ગયા તે તેની અપૂર્વ આવડતની સાબીતી આપી રહી.

એક અબળામાં બીહારીની ભૂમિકાએ મોહનલાલાને કલાકાર તરીકેની કીર્તિને ચાર ચાંદ લગાવી દીધા તે પછી ‘માયાનો રંગ’ નાટક લખીને રજુ કરાવ્યું. ‘માયાનો રંગ’માં દેવદત્તના પાત્રની સુંદર કલ્પના કરી હતી, જે તેમણે ટોલ્સટોયની વાર્તામાંથી લીધી હતી. દેવદત્તની ભૂમિકા મૂળજી ખુશાલે કરી કવિની કલ્પના અને પોતાની અભિનય કલાને તદ્રરૂપ કરી દઇને અવિસ્મરણીય બનાવી દીધી હતી.

ઇ.સ. ૧૯૨૮ના વર્ષમાં લક્ષ્મીકાંત દ્વારા ‘માયાનો રંગ’ રજૂ થયા પછી આ સર્જક તે કંપનીમાંથી છૂટા થઇ દેશી નાટક સમાજમાં જોડાયા ત્યાં મૂળચંદ મામાએ ‘સત્તાનો મદ’ નામના નાટકને તેમની પાસે પુનઃ લખાવીને ભજવ્યું. આ નાટકમાં પતંજલીની ભૂમિકા ભગવાનદાસે સફળતાપૂર્વક ભજવી નાટકની સફળતામાં સહયોગ કરેલો.

હવે તેમણે ગુજરાતની ઐતિહાસિક ઘટનાઓ પર નજર નાખી તેમાંથી કથા વસ્તુ ઉચકી ‘અજયધારા’ નામે નાટક લખ્યું. ૧૯૨૯ ના વર્ષમાં તે લખાયુ ને ૩૦ના વર્ષમાં રજૂ થયું. ૩૧ના વર્ષમાં ‘વીર ભૂષણ’ ‘અંશાવતાર’ લખાયા ને રજૂ થયાં.

કેટલાક કારણોને લઇ દેશી નાટક સમાજ કંપની બંધ રહી. પ્રભુલાલ દ્વિવેદીને લક્ષ્મીકાન્તે પૂનઃ પોતાને ત્યાં આવી જવાનું કહેણ મોકલ્યું ત્યાં ‘ચંદ્રગુપ્ત’ લખાયુ અને ભજવાયું. ચંદ્રગુપ્તની ભૂમિકા મા. અશરફખાને તખ્તા પર જીવંત કરી અનહદ લોકચાહના મેળવી.

આ સમય દરમિયાન દેશી નાટક સમાજ ફરી શરૂ થતાં તેમને માટે ‘સાંભરરાજ’ નાટક લખી આપેલો.

લક્ષ્મીકાંત નાટક સમાજના રંગમંચ પર તેમના નાટકો ‘સમરકેસરી રાજારાજ’ ‘યુગપ્રભાવ’ ‘મોહ પ્રતાપ’ ૩૪-૩૫ ના વર્ષમાં રજુ થયા તેને પણ પ્રેક્ષકોએ પ્રેમથી વધાવ્યા. ‘અક્ષયરાજ’ ૩૮માં રજુ કરી કવિ દેશી નાટક સમાજમાં જોડાયા ને સફળતા શિખર સર કરનારૂ નાટક ‘વડીલોના વાંકે’ અને તે પછી ‘સંપત્તિ માટે’ નાટક રજુ કરીને રંગભૂમિની દુનિયામાં ડંકો વગાડી દીધેલો.

રંગભૂમિ પર તેમના નાટકોની વણ થંભી વણજાર ચાલી રહી. ૧૯૪૨ માં તેમનો વનપ્રવેશ ઉજવાયો તે વખતે ચં. ચી. મહેતાના હસ્તે તેમને માનપત્ર અપાયેલું તે પછી પણ તખ્તા પર એમનો સુરજ તપતો રહેલો. ત્રણ કલાકમાં પુરા ભજવી શકાય તેવા નાટકો લખવા શરૂ કર્યા. તેના પરિપાક રૂપે ‘ગાડાનો બેલ’ ‘સામે પાર’, ‘શંભુ મેળો’ મળ્યા.

૧૯૫૧માં તેમની ષષ્ઠીપૂર્તિ ઉજવાઇ અને તેમને રૂ. ૩૧ હજારની થેલી અર્પણ થઇ.

નાટ્ય જગતના સમ્રાટ નાટ્ય લેખક અને કવિ પ્રભુલાલ દયારામ દ્વિવેદી અજોડ કલમ કસબી રહ્યા. તેઓનું તા. ૩૧ જાન્યુઆરી ૧૯૬૧ના રોજ મુંબઇમાં નિધન થયેલું.

Thanks to:gurjardesh.com

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ http://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s