ગુજરાતી રંગભૂમિનો પ્રારંભ કથા-આખ્યાન દ્વારા વાચિક સ્વરૃપમાં થઈ ગયો હતો. રામલીલા, કૃષ્ણલીલા, ભવાઈ, નટવાઈ જેવાં લોકનાટય સ્વરૃપોમાં વાચિક સાથે આંગિક, સાત્ત્વિક અને આહાર્યનું ઉમેરણ થતા સર્વાંગ સ્વરૃપે રંગભૂમિનો આરંભ થયો.

અસાઈત ઠાકર જેણે ૩૬૫ જેટલા ભવાઈ નાટય વેશોની રચના કરી. ઊંઝાના બ્રાહ્મણ અસાઈત દ્વારા રચાયેલા આ વેશોના મૂળમાં પડેલી છે અપાર વેદના. બીજાની દીકરીને રક્ષણ માટે પોતાની બનાવી દેવી આ વાત, આ ભાવના, આ હિંમત અને આ કાર્યને ન સમજી શકનાર પોતીકા લોકો દ્વારા થયેલ અપમાન સહિતની અવહેલના બને છે અસાઈતની સર્વ રચનાઓનું સર્જકબળ. થાય છે ભજવણી ભવાઈઓની. વર્ષો વીતતાં ગયાં ગામેગામ ભજવાતાં ભવાઈ લોકજાગૃતિમાંથી માત્ર મનોરંજનમાં સરી પડે છે ને આવે છે પરિવર્તન.

મોગલો પછી બ્રિટિશરોનું રાજ આવે છે. બ્રિટનથી તેઓ પોતાની સાથે લાવે છે નાટકનું નવું સ્વરૃપ. આપણા પારસીભાઈઓ ગોરી ચામડીના હોવાથી તે નાટકોમાં અંગ્રેજો સાથે નાનાં નાનાં પાત્રો ભજવતા. તેમને લાગણી થઈ કે ગુજરાતીમાં આવાં નાટકો ભજવીએ તો કેવું? અને ૧૮૫૩માં ૨૯ ઓક્ટોબરના રોજ ‘રુસ્તમ, જાબુલી અને સોહરાબ’ નામનું નાટક પ્રોસિનિયમ આર્ચવાળું ફોર્થવોલનું નાટક પારસીઓએ ભજવ્યું. એ સાથે જ શરૃ થયાં આજે સ્વીકૃત છે તે પ્રકારનાં નાટકો અને તેવી રંગભૂમિ એમ કહેવાય.

૧૮૬૧ સુધીમાં તો સુરત અને અમદાવાદમાં પણ પારસીઓ દ્વારા શેક્સપિયરના રૃપાંતર જેવાં અનેક નાટકો ભજવાયાં. ૧૮૬૨માં સૌપ્રથમ ગુજરાતી નાટક પુસ્તકાકારે આવે છે ‘ગુલાબ’. સુરતના નગીનદાસ મારફતિયાએ આ નાટક સુરતી બોલીમાં લખેલું છે. દલપતરામ, નર્મદ, રણછોડભાઈ, ઉદયરામ વ. તેમાં જોડાય છે. જૂની રંગભૂમિ અસ્તિત્વમાં આવે છે, જેની ર૦ર જેટલી નટમંડળી કંપનીઓ હતી. બાપુલાલ નાયક, મણિલાલ પાગલ, પ્રભુલાલ દ્વિવેદી, રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ બીજી બાજુ જયશંકર ‘સુંદરી’, અશરફ ખાન, અમૃત કેશવ નાયક, પ્રાણસુખ નાયક, મોતીબાઈ, ડાહ્યાભાઈ ધોળશાજી, મૂળશંકર મૂલાણી, વાઘજી આશારામ વ. અનેક કળાકાર-સર્જકોએ જૂની રંગભૂમિને જીવંત ધબકતી રાખી હતી. તેનાં અતિપરિચિત ગીતો જેવાં કે ‘સાહ્યબો મારો ગુલાબનો છોડ…’, ‘હૃદયના શુદ્ધ પ્રેમીને નિગમનાં જ્ઞાન ઓછાં છે’, ‘એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી’ લોકજીભે આજે પણ રમે છે.

પછી તો માત્ર વ્યાપારી દૃષ્ટિ રહેતા કળાદૃષ્ટિ નષ્ટ થઈ સાથે સાથે જૂની રંગભૂમિ પણ નષ્ટ થઈ તેના છેલ્લા અવશેષસમું ભાંગવાડી થિયેટર ૧૮૭૯-૮૦ના અરસામાં તૂટયું.

તેવામાં ૧૯૨૨માં નવી રંગભૂમિનો પડદો ઊંચકાયો અને ‘લાલિયા પરાપર’ સ્વરૃપે ચન્દ્રવદન મહેતા આપણી સામે આવે છે. રંગભૂમિમાં નવા પ્રાણ પુરાય છે અર્વાચીન રંગભૂમિનો પાયો નંખાય છે. કનૈયાલાલ મુનશી જેવા સમર્થ લેખક નાટકો રચે છે. ૧૯૪૦થી ૧૯૫૫ના ગાળા દરમિયાન મુંબઈ, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર એમ અનેક સ્થળે વિવિધ કલાસંસ્થાઓ સ્થપાય છે. સર્વે નવા નાટકના પ્રયોગો કરવા માંડે છે.

જૂની કે નવી ગુજરાતી રંગભૂમિ અને મુંબઈ અવિભાજ્ય રહ્યાં છે. સર્જનથી વિસર્જન સુધી. મુંબઈમાં ચન્દ્રવદન ભટ્ટ, મધુકર રાંદેરીયા, પ્રતાપ ઓઝા, અદી મર્ઝબાન, ફીરોઝ આંટિયા, અમદાવાદમાં જશવંત ઠાકર, દીના પાઠક, કૈલાસ પંડયા, વડોદરામાં માર્કન્ડ ભટ્ટ વ. સુરતમાં વજુભાઈ ટાંક, અરવિંદ કિનારીવાળા, જ્યોતિ વૈદ્ય વગેરેએ ગુજરાતી નાટકોને વેગવંતાં કર્યાં. પ્રવીણ જોષી, કાંતિ મડિયા, શૈલેશ દવે, ઉપેન્દ્ર ત્રિવેદી, સરિતા જોષી, અરવિંદ જોષી, જગદીશ શાહ, તારક મહેતા, મધુ રાય, સિતાંશુના સંસ્પર્શથી મહોરેલાં નાટકો અમીટ અસરવાળાં, સાચા અર્થમાં સુવર્ણકાળ તરીકે નોંધવા પડે એવાં ઐતિહાસિક રહ્યાં.

ગુજરાતની નાટય પ્રવૃત્તિમાં મુખ્ય ચાલકબળ બે રહ્યાં છે. એક વિવિધ શહેરોની નાટય સંસ્થાઓ બે ગુજરાત રાજ્ય. અમદાવાદમાં જશવંત ઠાકરે ર્શિવલક, નટસમ્રાટ, સરસ્વતીચંદ્ર વગેરે નાટકો કર્યાં. લાભશંકર ઠાકર, આદિલ મન્સૂરી, શ્રીકાંત શાહ, સુભાષ શાહ, મલ્લિકા સારાભાઈ – દર્પણ, અરવિંદ વૈદ્ય, રાજુ પટેલ, નિમેષ દેસાઈ, સૌમ્ય જોષી, અભિજાત જોષી, અન્નપૂર્ણા શુક્લ, પ્રતિભા રાવળ, ભરત દવે, હસમુખ બારાડી, અદિતિ ઠાકોર જેવા અનેક નામી અનામી કળાકારોએ રંગભૂમિ જોડે જીવંત નાતો રાખ્યો આકંઠ સાબરમતી, દર્પણ, રંગમંડળ વગેરે સંસ્થાઓએ ખૂબ નાટકો કર્યાં.

વડોદરામાં માર્કંડ ભટ્ટે ‘ત્રિવેણી’ના નેજા હેઠળ ગુજરાતી રંગભૂમિને યાદગાર નાટકો આપ્યાં. રાજકોટમાં ભરત યાજ્ઞિકે તુઘલખ, પહાડનું બાળક, આંખોની આરપાર, સપના અંકાશી ફૂલ, જીથરો ભાભો, સાથે જ ભરત ત્રિવેદીએ પિતા સાથે ઘણાં સારાં નાટકો આપ્યાં. ભાવનગરમાં મહેન્દ્રસિંહ પરમારે પણ ‘મિથ્યાભિમાન’ દ્વારા સારી શરૃઆત કરી છે. જૂનાગઢમાં જયકર ધોળકિયાએ એકાંકીમાં સારંુ કૌવત દર્શાવ્યું સાથે હતા નરેશ ફીટર જે હવે અમદાવાદ છે. પાલનપુરમાં અનિકેત અને ઠાકરબંધુઓએ પણ સારાં નાટકો કરવા માંડયાં છે.

જામનગર આજની નાટયપ્રવૃત્તિનું નોંધપાત્ર શહેર બન્યું છે. વિરલ રાચ્છ તેની યંગટીમ સાથે રાજ્ય કક્ષાએ યુવક મહોત્સવમાં અનેક વાર, મુંબઈ પ્રબોધ જોષી સ્પર્ધામાં અને આ વર્ષે રાષ્ટ્રીય યુવા મહોત્સવમાં એકાંકીમાં પ્રથમ પારિતોષિક પ્રાપ્ત કરી સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરનાર પ્રથમ દિગ્દર્શક બન્યા છે.

પ્રા.જ્યોતિ વૈદ્ય જેવા નાટયકાર-દિગ્દર્શક જે શહેર પાસે હોય તે શહેર અને તેના કળાકારો ખરેખર ભાગ્યશાળી કહેવાય. આજે રંગમંચ સક્રિય એવા સુરતની દરેક પેઢીના કળાકારોને તેમણે ઘડયા છે. પછી આવે છે વિહંગ મહેતા. પહેલા નવા દિગ્દર્શકોના પાયામાં કામ કરી ધીરે ધીરે માત્ર લેખન તરફ વળી જનાર વિહંગ મહેતાએ નાટક કરતા રહી લખતા રહી સાથે હવે નિર્ણાયક તરીકે જીવંત રહી કળાકારોની પેઢીને ઘડવામાં પોતાની નાટયસંપત્તિને કામે લગાડી છે. ત્રીજા આવે વિલોપન દેસાઈ. તેમણે લેખક તરીકે અભિનેતા કરતાંયે ખૂબ જ વિપુલ ને સરાહનીય કામ કર્યું.

આ લખનારે પણ એચ.કે. આર્ટસ સંસ્થાના માધ્યમથી આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય ૨૫ જેટલાં નાટયમહોત્સવોમાં ગુજરાતી રંગભૂમિની કળાકીય ઓળખ પ્રસ્થાપિત કરી છે. ગુજરાતમાં મુંબઈનાં નાટકો થાય છે તેમાં સામે પ્રવાહે તરી મુંબઈમાં ચિત્રલેખામાં પણ વિજેતા થઈ આ સંસ્થાએ નાટકોમાં અનેકાનેક સફળ પ્રયોગો કર્યા છે.

તેવાં બીજા દિગ્દર્શકો પ્રો. સોનલ વૈદ્ય – કુલકર્ણી એકમાત્ર સફળ સ્ત્રી દિગ્દર્શક છે. જેમણે પાંચ વાર શ્રેષ્ઠતાના સર્વ પારિતોષિકો ત્રિઅંકીમાં ને એકાંકીમાં અનેક વખત પ્રાપ્ત કર્યાં છે. પંકજ પાઠકજી, શૈલેન્દ્ર વડનેરે, પ્રકાશ મહેતા, મેહુલ શર્મા, કશ્યપ જોષી, વિશાલ જરીવાળા, જીતેન્દ્ર સુમરા જેવા બીજા ઘણા દિગ્દર્શકો તૈયારીપૂર્વક નાટકો કરી વિજેતા થતા રહે છે.

વડોદરામાં ડો. મહેશ ચંપકલાલ, પી.એસ. ચારી, પ્રભાકર દાભાડે, દીપક પ્રજાપતિ, રાકેશ મોદી, ત્રિલોકસિંહ જેવા નાટય કોલેજના સફળ અધ્યાપક અને વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીનું નામ રંગભૂમિ ઉપર રોશન કર્યું છે. જગદીશ ભટ્ટ, અજય વ્યાસ, હરીશ વ્યાસ પણ ઉત્કૃષ્ટ કામ કરી રહ્યા છે.

અંતે અપેક્ષા છે આવતીકાલના દિગ્દર્શકો, કલાકારો પાસે કે આ સૌએ મળી રંગભૂમિની પ્રસ્થાપિત ઓળખ જાળવીને પૂર્વજોને ભુલાવે તેવાં અનન્ય નાટકો તેઓ આપે. જ્યારે તેમના વિશે લખાય ત્યારે હીરક મહોત્સવના હીરા સમાન તેમના કામનું આલેખન થાય. ગુજરાતી રંગભૂમિ મરી રહી છે તે વાત ખોટી છે. તે માત્ર ક્યારેક મરવાનો અભિનય જ કરે છે. આપણે તેને ક્યારેય મરવા દઈશું નહીં. આપણે સૌ નહીં હોઈએ ત્યારે પણ રંગભૂમિ વધુ સારી રીતે જીવંત રહેશે. કારણ રંગભૂમિ એ માત્ર નાટક નથી, સંસ્કૃતિ છે, સંસ્કાર છે લોકભાષા છે, અને સર્વ સમાજનો આત્મા છે.

(લેખક પ્રતિષ્ઠિત નાટયવિદ્ છે.)

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ http://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s