ગુજરાતી રંગભૂમિ’ના નાટકો અને તેમના કલાકારોની નાટ્યકલાનું સ્મરણ કરીને ગુજરાતની અસ્મિતાનું એક અલગ અંદાજથી દર્શન કરીએ
* રણછોડભાઈ ઉદયરામ દવેને જૂની રંગભૂમિનાં નાટકોના પ્રથમ લેખક માનવામાં આવે છે.પારસીઓ પાસેથી એમણે હવાલો લઈ શુદ્ધ ગુજરાતી રંગભૂમિ શરૂ કરી. એમણે અન્ય શિક્ષક સાથીદારો સાથે મળી સ્થાપેલી નાટક મંડળી તે ‘ગુજરાતી નાટક મંડળી (ઈ.સ 1878)’. અગાઉ સને 1874-75માં ગુજરાતી ભાષામાં નાટકો ભજવવાના ઉદ્દેશથી કેખશરૂ કાબરજી અને રણછોડભાઈ ઉદયરામ દવે વગેરેએ સ્થાપેલી ‘નાટક ઉત્તેજક મંડળી’ એ રણછોડભાઈ દવેએ સને 1871માં લખેલું ‘હરિશ્ચંદ્ર’ નાટક 1876માં ભજવ્યું હતું. ગાંધીજીની ‘આત્મકથા’માં એમણે જે ‘હરિશ્ચંદ્ર’ નાટક જોયાનો ઉલ્લેખ છે તે આ જ નાટક હતું.
*
ઈ.સ. 1878 થી 1889 સુધીમાં સાત નાટક મંડળીઓ અસ્તિત્વમાં આવી હતી. ‘આર્ય નૈતિક નાટક સમાજ’(1915 થી 1950), ‘નાટક ઉત્તેજક મંડળી’ (1912 થી 1946), ‘શ્રી લક્ષ્મીકાન્ત નાટક સમાજ’ (1917 થી 1946), ‘શ્રી રોયલ નાટક સમાજ’ (1914 થી 1929), ‘શ્રી વાંકાનેર આર્ય હિતવર્ધક નાટક સમાજ’ (1889 થી 1927), ‘શ્રી દેશી નાટક સમાજ’ (1889 થી 1980) અને ‘શ્રી મુંબઈ ગુજરાતી નાટક મંડળી’ (1889 થી 1949).
*
આર્ય નૈતિક નાટક સમાજ:‘શ્રી વાંકાનેર આર્ય હિતવર્ધક નાટક સમાજ’ ની સ્થાપના મોટા ત્ર્યંબક (ત્ર્યંબકલાલ દેવશંકર રાવલ) અને નાના ત્ર્યંબક (ત્ર્યંબકલાલ રામચંદ્ર ત્રવાડી) દ્વારા થવા પામી હતી. આ કંપનીને લેખક તરીકે કવિ નથુરામ સુંદરજી મળ્યા હતા. કવિ નથુરામ સુંદરજી શુક્લનું નાટક દિવાળી નિમિત્તે ‘નરસિંહ મહેતા’ (સને 1905) આ કંપનીનું અવ્વલ દરજ્જાનું નાટક બની રહ્યું. પછી ઐતિહાસિક નાટક ‘શૂરવીર શિવાજી’ રજૂ કર્યું હતું. એ પણ એટલી જ પ્રસિદ્ધિને વર્યું હતું. ‘શ્રી દેશી નાટક સમાજ’ એવી કંપની રહી કે જે ખૂબ લાંબુ જીવી ગઈ. ડાહ્યાભાઈ ધોળશાજીએ (1867 થી 1902) આ કંપનીનું મંગળાચરણ કરેલું. ડાહ્યાભાઈની રચના આજેય પ્રસિદ્ધ છે..વાંકાનેર નાટક મંડળી’ નું ‘નરસિંહ મહેતા’ નાટક ભારે ખ્યાતિ પામ્યું હતું. નાના ત્રયંબકે એમાં નરસિંહનું પાત્ર ભજવી કેદાર રાગ ગાતી વેળા ભારે અસર ઉપજાવી હતી.
‘દેશી નાટક કંપની’ નું અધ્યાપક કેશવલાલ શિવરામે રચેલું ‘સંગીત લીલાવતી નાટક’ (સને 1889) નાટક ભજવાતું જોઈ એમની પાસેથી ડાહ્યાભાઈ ધોળશાજીએ આ કંપની લીધી હતી. ગુજરાતી રંગભૂમિને પાકું થિયેટર ડાહ્યાભાઈ ઝવેરીએ આ કંપની દ્વારા સંપડાવ્યું. ડાહ્યાભાઈ કંપની માલિક તો ઠીક શિક્ષક મટી લેખક પણ થયા હતા. બધાં મળીને 24 નાટકો તેમણે લખ્યાં ને ભજવ્યાં છે. એમના ‘અશ્રુમતી’ નાટકનું ગીત ‘શું નટવર વસંત થૈ થૈ નાચી રહ્યો’ એટલું તો લોકપ્રિય નીવડેલું કે ગરબારૂપે ગુજરતનાં ઘણાં સ્થળોએ ગવાતું. ડાહ્યાભાઈએ આ કંપની દ્વારા જ ભજવેલું પોતાનું ‘વીણાવેલી’ (સને 1889) પણ ખૂબ જ લોકપ્રિય થયું હતું. એમાંનો ‘ઉગ્યો સખી સૃષ્ટિનો શણગાર ચાલ ચાલ જોવાને ચંદ્રમા’ ગરબો તો હજુય એની લોકપ્રિયતા ટકાવી રહ્યો છે.