આજના ટી.વી. કલ્ચરમાં ભવાઈ કલા અસ્ત થવાની અણીએ… |
|
-સૌજન્ય :સંદેશ |
દહેગામ તાલુકાના પાટનાકુવામાં રમણભાઈ કચરાભાઈ નાયકના નેતૃત્વમાં ભવાઈનો ખેલ ભજવાયો હતો. જેમાં નાના બાળકો અને મોટેરાઓ ઉત્સાહપૂર્વક ભવાઈનો ખેલ જોવા પરબડી ચોકે ઉમટી પડયા હતા.
ભૂગોળો, નરગા, કાંસા પેટીવાજુના અવાજ સાથે ગણપતિની ગરબી રજૂ કરી વિવિધ વસ્ત્રાલંકારોથી સજ્જ થઈ વિવિધ ઐતિહાસિક નાટકો રજૂ કર્યા હતા. આ ખેલ બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યો હતો. ગ્રામજનોએ ઉદાર હાથે યથાશક્તિ દાન કરી કલા તથા સંસ્કૃતિની કદર કરીને એક પ્રેરણારૃપ દાખલો બેસાડયો હતો. કલા સંસ્કૃતિ બતાવતા કાર્યક્રમો જેવા કે ભવાઈ, બરૃરૃપી, મદારી, કઠપુતળીના ખેલ ધીમે ધીમે વિસરાતા જાય છે. ત્યારે સ્વરોજગારી માટે લોકોને મનોરંજન પુરુ પાડવા સાંસ્કૃતિક વારસાનું જતન કરવા માટે આ વારસાગત ધંધાને લોકોએ ચાલુ રાખ્યો છે.
ભવૈયાના ભાથી પ્રવીણભાઈ નાયકે જણાવ્યું કે આજે પણ ગામડાઓમાં ઘરમાં પહેલા ખોળે દીકરો હોય તેનું હાલરડું ગવરાવવામાં આવે છે, આ પ્રસંગે હાલરડામાં બે નર-નારી ભૂગોળ હોય, ભોલકાં, કાંસીજોડની રમઝટ વચ્ચે નાયક બૈરીના કપડાં પહેરી પગે ઘૂઘરા બાંધી બાળકને તેડીને હાલરડું ગાય છે.
મનોરંજન સાથે ચારિત્ર્ય ઘડતર કરનાર સાંસ્કૃતિક પરંપરાને માત્ર ૧૧ વર્ષની નાની ઉંમરેથી જાળવનાર અને હાલ જેમની ઉંમર ૭૩ વર્ષની છે. એવા રમણભાઈ નાયકે પોતાના વિચારો વ્યક્ત કરતાં જણાવ્યું કે વર્ષો પહેલા ગામના ચોકે મશાલના અજવાળે ભવાઈનો વેશ ભજવવાતો હતો ત્યારબાદ ફાનશ, પેટ્રોલમેક્ષ બાદ લાઈટની સુવિધા મળતાં ગોળ, ટુબલાઈટ અને હવે ફોક્સના અજવાળા હેઠળ ભવાઈનો વેશ ભજવાય છે.